Karnataka Politics News: કર્ણાટકના રાજકારણમાં ફરી એકવાર ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વચ્ચે શબ્દયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપ પ્રમુખ વિજયેન્દ્રએ દાવો કર્યો છે કે, રાજ્યમાં રાજકીય માહોલ સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં છે અને જો આવતીકાલે જ ચૂંટણી યોજાય તો કેબિનેટ મંત્રીઓ સહિત કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે.
નેતાઓ આપોઆપ જોડાવા તૈયાર
સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે બી.વાય. વિજયેન્દ્રને પૂછવામાં આવ્યું કે શું ભાજપ સત્તાધારી પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યોને તોડવાનો કે પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, "અમારે નેતાઓને તોડવાની કોઈ જરૂર નથી. પરંતુ રાજ્ય પક્ષના પ્રમુખ તરીકે હું એક વાત સ્પષ્ટપણે કહું છું કે જો આવતીકાલે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થાય, તો ડી.કે. શિવકુમારની કેબિનેટના મંત્રીઓ સહિત 25 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે. રાજ્યમાં આવો અનુકૂળ માહોલ પહેલેથી જ સર્જાઈ ચૂક્યો છે."
ડી.કે. શિવકુમારનો આકરો પલટવાર
ભાજપ પ્રમુખના આ દાવાની સખત શબ્દોમાં મજાક ઉડાવતા અને આકરો પલટવાર કરતા નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો ભાજપ પાસે આવી કોઈ યાદી કે ક્ષમતા હોય, તો તેમણે કોઈપણ સમય બગાડ્યા વિના તે તમામ નેતાઓને તાત્કાલિક પોતાની પાર્ટીમાં સામેલ કરી લેવા જોઈએ.
વધુમાં, ડી.કે. શિવકુમારે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન થયેલા ક્રોસ-વોટિંગનો મુદ્દો ઉઠાવીને ભાજપ અને JDS ગઠબંધન પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "એચ.ડી. કુમારસ્વામી કે વિજયેન્દ્રમાંથી કોઈ પણ એ ઓળખી શક્યું નહોતું કે તેમની પોતાની જ પાર્ટીમાંથી કોણે ક્રોસ-વોટિંગ કર્યું છે. તેમના પોતાના નેતાઓએ જ કોંગ્રેસની તરફેણમાં ક્રોસ-વોટિંગ કર્યું હતું. હવે તેઓ કયા મોઢે દાવા કરી રહ્યા છે?" કર્ણાટકમાં વારંવાર સામે આવતા આ પ્રકારના રાજકીય નિવેદનોથી સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષી ભાજપ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે.
