જંકફૂડનું જોખમઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ મોમોજ ખાવાની આદતથી 10 વર્ષીય બાળકીનું લિવર ફેલ; યાદશક્તિ પણ ગુમાવી

દિલ્હીમાં લગભગ 35 ટકા બાળકોમાં ફેટી લિવરના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન, સ્ક્રીન ટાઈમ અને ફિઝિકલ એક્ટિવિટીની કમી જવાબદાર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Apr 2026 04:26 PM (IST)Updated: Sat, 18 Apr 2026 04:26 PM (IST)
junk-food-side-effects-10-year-old-girl-suffers-liver-failure-due-to-momos-addiction-in-delhi
HIGHLIGHTS
  • ઉભા રહેવામાં અસમર્થ તાન્યાને ICUમાં ખસેડાઈ, પ્લાઝ્માફેરેસીસથી જીવ બચ્યો

Junk Food Side Effects: હાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ભૂખ ભાગવા માટે શૉર્ટકટ અપનાવવા લાગ્યા છે. એમાં પણ પિત્ઝા, બર્ગર, નૂડલ્સ જેવા જંકફૂડ માત્ર બાળકો જ નહીં, પરંતુ વડીલોને પણ ખૂબ જ ભાવવા લાગ્યા છે.

મોમોજ પણ આવું જ એક સ્ટ્રીટ ફૂડ છે, જે છેલ્લા ઘણાં સમયથી ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.જો કે મેંદામાંથી બનતા જંકફૂડ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો દેશના પાટનગર નવી દિલ્હીના બુરાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે.

હકીકતમાં બુરાડીમાં રહેતી 10 વર્ષીય તાન્યાને વધારે પડતા ફાસ્ટ ફૂડનું સેવન કરવાના કારણે લિવર ફેઈલ થવા જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો છે. જેના પગલે તાન્યાના મગજમાં સોજો આવી ગયો છે અને તેની યાદશક્તિ નબળી પડવા લાગી છે. તાન્યાની તબિયત સતત લથડતી જતાં આખરે તેને ICUમાં શિફ્ટ કરવામાં આવી છે.

દાદા પાસેથી પૈસા લઈને મોમોજ અને ચિપ્સ ખરીદીને ખાતી હતી

આ અંગે બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે, તાન્યાની માતા સાવિત્રી માથુર અને પતિ કિશોર બન્ને જૉબ કરે છે. આથી માતા-પિતાની ગેરહાજરીમાં તાન્યા પોતાના દાદા પાસેથી પૈસા લઈને બહારથી મોમોજ અને ચિપ્સ જેવા ફાસ્ટ ફૂડ ખરીદીને ખાતી હતી.

શરૂઆતમાં તો તાન્યા નાની-નાની વાતો ભૂલવા લાગી હતી અને તે સતત થાકેલી લાગતી હતી. જો કે સમય જતાં તેની હાલત વધારે ગંભીર થવા લાગી અને તે સીધી રીતે ઉભી પણ નહતી રહી શકતી. આખરે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું કે, તાન્યાને ગંભીર કમળો થઈ ગયો છે અને તેનું લિવર પણ ફેલ થઈ ચૂક્યું છે.

તબીબોએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી

ટૉક્સિન્સ શરીરમાં વધવાના કારણે મગજમાં સોજો આવી ગયો છે. જે બાદ તેને વધુ સઘન સારવાર અર્થે મોડલ ટાઉન સ્થિત યથાર્થ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં તબીબોએ સૌ પ્રથમ તો તાન્યાને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. જો કે બાદમાં પ્લાઝ્માફેરેસિસની સારવાર કરવામાં આવી હતી.

આ અંગે બાળરોગ નિષ્ણાંત ડૉ. શૈલેષ શર્માએ જણાવ્યું કે, પ્લાઝમાફેરેસિસ પ્રોસેસમાં શરીરમાંથી દૂષિત પ્લાઝ્મા નીકાળીને શુદ્ધ પ્લાઝ્મા ચડાવવામાં આવે છે. જેનાથી લિવરને આરામ મળે છે. બાળકીને બે યુનિટ પ્લાઝમા આપવામાં આવ્યા છે. જેનાથી તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો અને હવે લિવર ટ્રાન્સપ્લાન્ટની કોઈ જરૂર નથી.

વધુમાં શૈલેષ શર્માએ જણાવ્યું કે, દિલ્હીમાં લગભગ 35 ટકા બાળકોમાં ફેટી લિવરના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન, સ્ક્રીન ટાઈમ અને ફિઝિકલ એક્ટિવિટીની કમી જવાબદાર છે.

ફેટી લિવરથી બચવા માટે દરરોજ અઢી લિટર પાણી પીવું જરૂરી

યથાર્થ હોસ્પિટલના ગેસ્ટ્રો એન્ટેરોલૉજી એન્ડ હિપેટૉલૉજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. અપૂર્વ પાંડેએ જણાવ્યું કે, OPDમાં આવનારા 30 થી 40 ટકા દર્દીઓ ફેટી લિવરના હોય છે. શરીરમાં સારા મેટાબૉલિઝમ માટે દરરોજ ઓછામાં ઓછું અઢી લીટર પાણી પીવું જરૂરી છે, પરંતુ ઘણાં લોકો દિવસભરમાં પુરતું પાણી જ નથી પી રહ્યા. જેના કારણે આ બીમારીના દર્દીઓ વધી રહ્યા છે.

આ અંગે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, બાળકોની ખાણીપીણી તેમજ લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જંકફૂડનું વધુ પડતું સેવન ભવિષ્યમાં અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે, બાળકોની ખાણીપીણીની આદતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.