Amroha student death: ઉત્તર પ્રદેશના અમરોહામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 16 વર્ષની તેજસ્વી વિદ્યાર્થિની આહાના ખાનનું ફાસ્ટ ફૂડ ખાવાની આદતને કારણે મૃત્યુ થયું છે. સતત જંક ફૂડ ખાવાથી તેના આંતરડામાં ગંભીર ચેપ લાગ્યો હતો, જે અંતે હાર્ટ એટેકમાં પરિણમ્યો હતો.
ઘટનાની વિગત
અમરોહાના મોહલ્લા અફઘાનન વિસ્તારમાં રહેતા મન્સૂર ખાનની પુત્રી આહાના હાશ્મી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં 11 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આહાનાને પિઝા, બર્ગર, મોમો અને ચાઉ મેઈન જેવા ફાસ્ટ ફૂડ પ્રત્યે ભારે આકર્ષણ હતું. પરિવારના અવારનવારના રોકટોક છતાં તેણે ફાસ્ટ ફૂડ ખાવાનું ચાલુ રાખ્યું, તેના કારણે તેનું વજન વધીને 70 કિલો થઈ ગયું હતું.
સ્વાસ્થ્યમાં ગંભીર અસર
સપ્ટેમ્બર 2025થી આહાનાને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. 30 નવેમ્બરના રોજ જ્યારે તેની સ્થિતિ વધુ બગડી, ત્યારે તેને મુરાદાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાંના અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટે ડોક્ટરોને પણ ચોંકાવી દીધા હતા. ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનને કારણે તેના આંતરડામાં ગંભીર ચેપ (Infection) લાગ્યો હતો અને તેમાં છિદ્રો પડી ગયા હતા. ડોક્ટરોએ 2 ડિસેમ્બરે તાત્કાલિક સર્જરી કરીને આંતરડાની સમસ્યા ઠીક કરી હતી. ઓપરેશન બાદ તે ઘરે પરત ફરી હતી, પરંતુ તેનું વજન સતત ઘટવા લાગ્યું હતું.
અંતિમ ક્ષણો
18 ડિસેમ્બરે ફરી તબિયત લથડતા તેને દિલ્હીની એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન રવિવારે રાત્રે આહાનાને અચાનક હૃદયરોગનો હુમલો (Heart Attack) આવ્યો અને તેણે દમ તોડ્યો. સોમવારે સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નિષ્ણાતોની ચેતવણી
આહાના હાશ્મી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં ધોરણ 11 માં હોનહાર વિદ્યાર્થીની હતી.વધુ પડતા ફાસ્ટ ફૂડ ખાવાથી તેની તબિયત વધુ ખરાબ થઈ, ચાઉ મેઈન, પિઝા, બર્ગર, મોમો અને સોફ્ટ ડ્રિંક્સ જેવી મોટાભાગની ફાસ્ટ ફૂડ વસ્તુઓનો સમાવેશ કરતી સ્ટ્રીટ ફૂડ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ખોરાકના વધુ પડતા સેવનથી સ્થૂળતા, પેટમાં ચેપ, ડાયાબિટીસ અને હૃદય રોગ થઈ શકે છે. માતાપિતાએ તેમના બાળકોને ફાસ્ટ ફૂડથી દૂર રાખવા જોઈએ.
આહાનાનું અવસાન એ વાતનું ઉદાહરણ છે કે સ્વાદ માટે ખાવામાં આવતું ફાસ્ટ ફૂડ કેવી રીતે ધીમું ઝેર બની શકે છે. આજની પેઢીએ ખાણીપીણીની ટેવો પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.
