Jan Vishwas Bill: ભારતીય રેલવેમાં મુસાફરોની સુરક્ષા વધારવા અને શિસ્ત જાળવવા માટે લાગુ કરાયેલા ‘જન વિશ્વાસ બિલ’ બાદ હવે નિયમ તોડનારાઓ સામે RPF (રેલવે સુરક્ષા બળ) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હી ડિવિઝનમાં 19 જૂનથી લાગુ કરાયેલા નવા દંડના દરો બાદથી દંડની વસૂલાતમાં મોટો ઉછાળો નોંધાયો છે.
મહિલા કોચમાં અનધિકૃત પ્રવેશ પર રૂ. 2,500 સુધીનો દંડ
રેલવેના નવા નિયમો મુજબ, મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલા કોચમાં પુરુષ કે અન્ય અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર દંડની રકમ રૂ. 500 થી વધારીને રૂ. 2,500 કરી દેવામાં આવી છે. આ કડક જોગવાઈને કારણે જૂલાઈ મહિનામાં જ RPF એ મહિલા કોચમાં ઘૂસણખોરી કરતા 302 આરોપીઓની અટકાયત કરી રૂ. 7.5 લાખનો દંડ વસૂલ્યો છે. નોંધનીય છે કે, મે મહિનામાં આ વસૂલાત માત્ર રૂ. 33,000 હતી.
રેલવે સ્ટેશન કે ટ્રેનમાં સ્મોકિંગ કરવા પર રૂ. 2,000નો દંડ
રેલવે પરિસરમાં સિગારેટ કે બીડી પીવી પણ હવે ભારે પડી શકે છે. અગાઉ જ્યાં સ્મોકિંગ માટે માત્ર રૂ. 100 સુધીનો દંડ થતો હતો, તેને હવે સીધો વધારીને રૂ. 2,000 કરવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં સ્મોકિંગ કરતા 10 લોકો ઝડપાયા હતા અને તેમની પાસેથી રૂ. 20,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અન્ય અપરાધો અને દંડના મુખ્ય આંકડા (મે અને જુલાઈ વચ્ચેનો તફાવત)
વિના પરવાનગીએ પ્રવેશ: અનધિકૃત રીતે રેલવે પરિસરમાં પ્રવેશ કરવા બદલ જુલાઈમાં રૂ. 5.9 લાખ દંડ વસૂલાયો (જે મે માં રૂ. 1.5 લાખ હતો).
ફેરીવાળા અને ભીખ માંગનારાઓ: રેલવે વિસ્તારમાં અનધિકૃત વેચાણ અને ભીખ માંગવા પર વસૂલાત રૂ. 4.4 લાખથી વધીને રૂ. 5.3 લાખ થઈ ગઈ છે.
સ્ટાફના આદેશનું ઉલ્લંઘન: ગાર્ડ કે ડ્રાઈવરના સૂચનો ન માનવા બદલ વસૂલાત રૂ. 1.2 લાખથી વધીને રૂ. 7.2 લાખ સુધી પહોંચી છે.
નિયમોમાં શું બદલાવ આવ્યો?
RPFના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર આશુતોષ પાંડેના જણાવ્યા મુજબ, પહેલાના સમયમાં મેજિસ્ટ્રેટ દ્વારા ઓછો દંડ (રૂ. 100 થી રૂ. 500) લાદવામાં આવતો હતો અથવા ગરીબીનું બહાનુ બતાવવા પર મુસાફરોને દંડમાં રાહત મળી જતી હતી.
પરંતુ, જન વિશ્વાસ બિલ હેઠળ હવે રૂ. 500 થી રૂ. 2,500 સુધીનો ફિક્સ દંડ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેટલાક ગુનાઓને ક્રિમિનલ ગુનામાંથી બાદ કરીને સિવિલ પેનલ્ટી (એડમિનિસ્ટ્રેટિવ) માં ફેરવવામાં આવ્યા છે, જેથી કાર્યવાહી ઝડપી બને. તમામ કર્મચારીઓને આ નવા નિયમોની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે અને મુસાફરોમાં જાગરૂકતા લાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
