Udhampur Bus Accident: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં બુધવારે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પંચૌંડથી ઉધમપુર તરફ જઈ રહેલી એક મુસાફર બસ અનિયંત્રિત થઈને ગુલ્લી ગાલા વિસ્તારમાં આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં એક યુવતી અને એક મહિલાનું ઘટનાસ્થળે જ નિધન થયું છે, જ્યારે 16 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહત-બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સવારે 7:30 વાગ્યે સર્જાયો અકસ્માત
મળતી વિગતો અનુસાર, મુસાફર બસ (રજિસ્ટ્રેશન નંબર JK02AL-3477) સવારે લગભગ 6:45 વાગ્યે પંચૌંડથી ઉધમપુર જવા માટે રવાના થઈ હતી. સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે, પંચૌંડથી માત્ર 5 કિલોમીટર અને લાતી મુખ્યાલયથી 45 કિલોમીટર દૂર આવેલા 'ગુલ્લી ગાલા' નામના જોખમી વળાંક પાસે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે જીવના જોખમે ખીણમાં ઊતરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને તાત્કાલિક ધોરણે ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે રામનગરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બિલાડી જેવા રસ્તા અને ખરાબ સ્થિતિ બની અકસ્માતનું કારણ
સ્થાનિક ભૂતપૂર્વ સરપંચ હંસ રાજના જણાવ્યા મુજબ, જે સ્થળે અકસ્માત સર્જાયો છે ત્યાં રસ્તાની સ્થિતિ અત્યંત બિસ્માર અને ખરાબ છે. પ્રાથમિક દ્રષ્ટિએ રસ્તાની આ કન્ડિશન જ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રે આ મામલે ગુનો નોંધીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ઘટનાની જાણ થતાં જ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર અનંત દ્વિવેદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોના સહયોગથી તમામ મુસાફરોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. ઘાયલોને ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે રામનગર હોસ્પિટલને સુચના આપી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીની ઓફિસ પણ સતત જિલ્લા તંત્રના સંપર્કમાં રહીને મદદ પૂરી પાડી રહી છે.
