Train Middle Berth Rules: ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરતી વખતે મોટાભાગના લોકો આરામથી ઊંઘીને જવાનું પસંદ કરતા હોય છે. જોકે, ઘણી વખત સ્લીપર કે થર્ડ એસી કોચમાં મિડલ બર્થ ધરાવતા મુસાફરો અને લોઅર બર્થના મુસાફરો વચ્ચે સીટ ખોલવા અને બેસવા બાબતે ઘર્ષણ થતું જોવા મળે છે. ભારતીય રેલવેના અધિકૃત નિયમો જાણવાથી મુસાફરી દરમિયાન આ પ્રકારની અગવડતાથી બચી શકાય છે.
મિડલ બર્થ ખોલવા અને ઊંઘવાનો નિયમ
ભારતીય રેલવેના નિયમ મુજબ મુસાફરો ટ્રેનમાં ગમે તે સમયે મિડલ બર્થ ખોલીને સોઈ શકતા નથી.
નક્કી કરેલો સમય: મિડલ બર્થ ખોલવાનો અને ઊંઘવાનો સમય રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધીનો છે.
દિવસનો સમય: સવારે 6:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી મિડલ બર્થ ધરાવતા મુસાફરે પોતાની સીટ બંધ રાખવી પડે છે, જેથી લોઅર બર્થ પરના મુસાફરો આરામથી બેસી શકે.
નિયમભંગ પર ફરિયાદ: જો રાત્રે 10 વાગ્યા પછી પણ લોઅર કે અપર બર્થના મુસાફરો તમને મિડલ બર્થ ખોલવા ન દે, અથવા સવારે 6 વાગ્યા પછી મિડલ બર્થનો મુસાફર સીટ બંધ ન કરે, તો તમે ટીટીઈ (TTE)ને તાત્કાલિક ફરિયાદ કરી શકો છો.
રાત્રે 10 વાગ્યા પછી TTE અને અવાજ અંગેના નિયમો
રેલવેએ મુસાફરોની શાંતિપૂર્ણ ઊંઘ માટે કેટલાક અન્ય કડક નિયમો પણ અમલી બનાવ્યા છે-
ટિકિટ ચેકિંગ: રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા દરમિયાન TTE સામાન્ય રીતે ટિકિટ ચકાસવા માટે મુસાફરોને જગાડી શકતા નથી (જો મુસાફરે રાત્રે 10 વાગ્યા પછી જ ટ્રેનમાં મુસાફરી શરૂ કરી હોય તો જ ટિકિટ ચેક થઈ શકે છે).
મોટેથી અવાજ કે મ્યુઝિક પર પ્રતિબંધ: રાત્રે 10 વાગ્યા પછી કોચમાં મોટેથી વાતો કરવી કે ફોન પર જોરથી બોલવું મનાઈ છે. આ ઉપરાંત, હેડફોન વગર સ્પીકર પર મ્યુઝિક વગાડવા કે વિડીયો જોવા પર પણ પ્રતિબંધ છે. નિયમભંગ કરનાર સામે દંડકીય કાર્યવાહી થઈ શકે છે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ નિયમોનું પાલન કરવાથી સહ-મુસાફરો સાથેનો વિવાદ અટકે છે અને સફર આરામદાયક બની રહે છે.
