India Take Action: ભારતને તોડવાનું સ્વપ્ન જોનાર ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રી ગુંથર ફેહલિંગરનું X એકાઉન્ટ સરકારે શુક્રવારે બ્લોક કરી દીધું છે. ફેહલિંગરે ભારતને 'વિભાજીત' કરવાની હાકલ કરતી એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી.
સ્ક્રીનશોટ દ્વારા ફરતી થયેલી આ પોસ્ટમાં ભારતીય પ્રદેશના કેટલાક ભાગોને પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ખાલિસ્તાનના ભાગ તરીકે દર્શાવતો ખોટો નકશો હતો. આ પોસ્ટમાં ફેહલિંગરે લખ્યું, હું ભારતને X ઈન્ડિયામાં વિભાજીત કરવાની હાકલ કરું છું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની નજીક છે. ખાલિસ્તાન માટે આપણને મિત્રોની જરૂર છે.
ફેહલિંગરની પોસ્ટથી હોબાળો મચી ગયો હતો
આ પોસ્ટ પછી ઇન્ટરનેટ મીડિયા પર ભારતીયો ગુસ્સે ભરાયા છે. શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વિદેશ મંત્રાલયને આ મામલો ઑસ્ટ્રિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવવાનો આગ્રહ કર્યો હતો. સમીક્ષા પછી, ગૃહ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે X ને ભારતમાં એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો. ત્યારથી આ એકાઉન્ટ દેશમાં યૂઝર્સ માટે બ્લોક કરી દેવાયું છે.
રાહુલ ગાંધીનુંસમર્થન કરી ચુક્યા છે
ટ્રોલિંગ વચ્ચે, ફેહલિંગરનું 2023નું ટ્વીટ પણ ફરતું થયું જેમાં તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભારતના આગામી વડાપ્રધાન તરીકે ટેકો આપ્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચીન અને રશિયા પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો. તે સમયે X ટ્વિટર હતું.
જુલાઈ 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાતના થોડા મહિનાઓ પછી જ આ વિવાદ ઉભો થયો છે, જે 41 વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની ઑસ્ટ્રિયાની પ્રથમ મુલાકાત હતી. પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે થઈ હતી.