WhatsApp Facebook Data Breach in India: દેશમાં ડેટા લીકની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી અને બિન સરકારીના આશરે 16.8 કરોડ એકાઉન્ટના ડેટા હેક કરવામાં આવ્યા છે. સાઈબર પોલીસના જણાવ્યા અનુસાર તેમણે આ મુદ્દે 7 લોકોની ધરપકડ પણ કરી છે. આ દરેક ડેટામાં 2.55 લાખ સેનાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ ડેટા લીકને દેશનું સૌથી મોટું ડેટા લીક કહેવામાં આવી રહ્યું છે.
140 અલગ કેટેગરીમાં ડેટા વેચતા
આ આખી ગેંગની તેલંગાણાની સાયબરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ લોકો 140 અલગ-અલગ કેટેગરીમાં ડેટા વેચતા હતા. આમાં સેનાના જવાનોના ડેટા ઉપરાંત દેશના તમામ લોકોના ફોન નંબર, NEETના વિદ્યાર્થીઓની અંગત માહિતી વગેરે સામેલ છે. આ માહિતી સાયબરાબાદ પોલીસ કમિશનર એમ સ્ટીફન રવિન્દ્રએ આપી છે.
નોઈડાના કોલ સેન્ટરમાંથી થતું હતું કૌભાંડ
આ મુદ્દે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. દરેક આરોપી નોઈડાના એક કોલ સેન્ટર મારફતે ડેટા એકઠો કરી રહ્યા હતા. આરોપીઓએ કબૂલ પણ કર્યું કે આ ચોરી કરાયેલ ડેટાને આરોપીઓએ 100 સાઈબર ઠગોને વેચ્યો છે.
50 હજાર લોકોના ડેટા 2 હજારમાં વેચ્યા
આ ડેટા લીકમાં 1.2 કરોડ વ્હોટ્સઅપ યુઝર્સ અને 17 લાખ ફેસબુક યુઝર્સનો ડેટા સામેલ છે. સેનાના જવાનોના ડેટા પણ ચોરવામાં આવ્યા છે. પોલીસના રિપોર્ટ અનુસાર આરોપીઓએ 50 હજાર લોકોના ડેટા માત્ર 2 હજાર રુપિયામાં વેચ્યો હતો.
