Tamil Nadu CM Vijay: તમિલનાડુના રાજકારણમાં રવિવારે એક નવો યુગ શરૂ થયો છે. તમિલગા વેત્રી કઝગમ (TVK) ના વડા અને સુપરસ્ટાર સી. જોસેફ વિજયે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભવ્ય સમારોહમાં શપથ લીધા છે. શપથ ગ્રહણના તુરંત બાદ મુખ્યમંત્રી વિજય એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને તેમણે જનતાના હિત સાથે જોડાયેલા 3 મહત્વના નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા હતા.
જનતા માટે પ્રથમ 3 મોટા આદેશો
મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળતા જ વિજયે ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કરવાની દિશામાં પગલાં ભર્યા છે. તેમણે લીધેલા ત્રણ મુખ્ય નિર્ણયો નીચે મુજબ છે:
- 1). મફત વીજળી: ઘરેલું ગ્રાહકો માટે 200 યુનિટ સુધીની વીજળી સંપૂર્ણપણે મફત કરી દેવામાં આવી છે.
- 2). મહિલા સુરક્ષા: રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુનાઓ પર લગામ લગાવવા માટે એક વિશેષ 'મહિલા સુરક્ષા દળ' (Special Task Force) ની રચના કરવાનો આદેશ આપ્યો છે.
- 3). નશા મુક્ત તમિલનાડુ: નશીલી દવાઓના વેપાર અને સ્મગલિંગને રોકવા માટે દરેક જિલ્લામાં 'એન્ટી-ડ્રગ્સ સ્ક્વોડ' (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) બનાવવાનો નિર્ણય લેવાયો છે.
રાજકીય ગઠબંધન અને બહુમતી
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો જીતી હતી. સરકાર બનાવવા માટે જરૂરી 118 ના આંકડા સુધી પહોંચવા માટે તેમને કોંગ્રેસના 5 ધારાસભ્યો તેમજ CPI, CPI-M, VCK અને IUML ના 2-2 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. આ રીતે કુલ 121 ધારાસભ્યોના ટેકા સાથે વિજયે સરકાર બનાવી છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને 13 મે સુધીમાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવા નિર્દેશ આપ્યો છે.
પાછલી સરકાર પર પ્રહાર અને 'શ્વેત પત્ર'
મુખ્યમંત્રી વિજયે કાર્યભાર સંભાળતા જ વિરોધ પક્ષ DMK પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે પાછલી સરકારે રાજ્ય પર 10 લાખ કરોડ રૂપિયાનું દેવું છોડ્યું છે. રાજ્યની આર્થિક સ્થિતિ અંગે પારદર્શિતા લાવવા માટે તેમણે વર્ષ 2021-2026 ના સમયગાળા માટે નાણાકીય સ્થિતિ પર એક 'શ્વેત પત્ર' (White Paper) બહાર પાડવાની જાહેરાત કરી છે.
નવા મંત્રીમંડળની રચના
વિજયની સાથે અન્ય 9 મંત્રીઓએ પણ પદના શપથ લીધા છે. આ મંત્રીમંડળમાં અનુભવી નેતા કે.એ. સેંગોટ્ટૈન અને એકમાત્ર મહિલા મંત્રી તરીકે કીર્તનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પરંપરા તોડી આધુનિક લૂકમાં દેખાયા વિજય
સામાન્ય રીતે તમિલનાડુના નેતાઓ શપથ ગ્રહણ વખતે પરંપરાગત ધોતી (વેષ્ટી) પહેરતા હોય છે, પરંતુ વિજયે આ પરંપરા તોડીને સફેદ ફોર્મલ શર્ટ અને બ્લેક પેન્ટમાં સજ્જ થઈને શપથ લીધા હતા. આ ઉપરાંત સ્ટેડિયમમાં અભિનેત્રી તૃષા કૃષ્ણન પણ હાજર રહી હતી, જેણે વિજયની માતા સાથે મુલાકાત કરી હતી. 22 જૂન 1974 ના રોજ જન્મેલા વિજયે ફિલ્મો બાદ હવે રાજકારણમાં પણ પોતાની ઈનિંગની ધમાકેદાર શરૂઆત કરી દીધી છે.
