Karnataka Suicide: લગ્નેતર સબંધોના મોટાભાગે કરૂણ અંજામ સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક હ્રદયદ્રાવક કિસ્સો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. જેમાં લગ્નના બે મહિના બાદ યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી જતાં હતાશ પતિ અને બન્નેનો સબંધ કરાવનાર મામાએ આપઘાત કરી લીધો છે.
મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પ્રેમી સાથે રફૂચક્કર થઈ
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કર્ણાયકના દાવણગેરે જિલ્લામાં રહેતી સરસ્વતીના આજથી બે મહિના પહેલા હરીશ (30) નામના યુવક સાથે સમાજના રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. જો કે ગત 23 જાન્યુઆરીના રોજ સરસ્વતી મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી.
મોડી સાંજ સુધી સરસ્વતી ઘરે પરત ના ફરતા પરિવારજનોને તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે સરસ્વતીની કોઈ ભાળ ના મળતા આખરે સ્થાનિક પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં સરસ્વતી પોતાના પ્રેમી શિવકુમાર સાથે ભાગી ગઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ બાબતની જાણ થતાં હરીશ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. આખરે તેણે એક સ્યુસાઈડ નોટમાં કેટલાક લોકોને પોતાના મોત માટે જવાબદાર ઠેરવીને આપઘાત કરી લીધો હતો.
આટલું જ નહીં, હરીશે અંતિમ પગલું ભરતાં તેના સરસ્વતી સાથે સબંધ કરાવનાર સરસ્વતીના મામા રુદ્રેશ પણ આઘાતમાં સરી પડ્યા હતા. જે બાદ તેમણે પણ આપઘાત કરી લીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હરીશ સાથે લગ્ન પહેલા સરસ્વતીના શિવકુમાર સાથે પ્રેમસબંધ હતા. આ અંગે હરીશ પણ જાણતો હતો. આમ છતાં હરીશે પરિવારને મનાવીને સરસ્વતી સાથે લગ્ન કર્યાં હતા. જો કે લગ્ન બાદ સરસ્વતી પોતાના પ્રેમીને ભૂલી શકી નહતી.
હાલ તો પોલીસે સરસ્વતી વિરુદ્ધ દુષ્પ્રેરણા અને SC-ST એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને અટકાયત કરી છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
