હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગમખ્વાર માર્ગ અકસ્માત: 200 મીટર ઊંડી ખીણમાં કાર ખાબકતાં એક જ ગામના 4 યુવકોના મોત

અકસ્માતની જાણ થતાં જ આનીથી સ્થાનિક પોલીસ, વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખીણ અત્યંત ઊંડી હોવાના કારણે સ્થાનિક લોકો અને રાહત ટીમો માટે ક્ષતિગ્રસ્ત વાહન સુધી પહોંચવું ભારે પડકારજનક બન્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 22 Sep 2026 10:22 AM (IST)Updated: Tue, 22 Sep 2026 10:22 AM (IST)
himachal-pradesh-kullu-car-accident-jabo-village-youths-death-nh305
કુલ્લુ કાર અકસ્માત

Kullu Car Accident: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક હૃદયવિદારક માર્ગ અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે-305 પર આની વિસ્તારમાં હરિપુર નજીક મંગળવારે વહેલી સવારે એક કાર અનિયંત્રિત થઈને અંદાજે 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં ચાર યુવાનોના કરૂણ મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃત્યુ પામેલા તમામ યુવાનો એક જ ગામના રહેવાસી હોવાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે સર્જાયી હોનારત

મળતી માહિતી મુજબ, કાર (રજિસ્ટ્રેશન નંબર HP-35-9123) માં સવાર તમામ યુવકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. નિગન અને નિમલા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સોમવાર અને મંગળવારની વચ્ચેની મોડી રાત્રે (અંદાજે 3:00 વાગ્યાની આસપાસ) ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે કાર હરિપુર નજીક રસ્તા પરથી નીચે ઉતરીને 200 મીટર ઊંડી ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

કલાકો સુધી ચાલી બચાવ કામગીરી

અકસ્માતની જાણ થતાં જ આનીથી સ્થાનિક પોલીસ, વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખીણ અત્યંત ઊંડી હોવાના કારણે સ્થાનિક લોકો અને રાહત ટીમો માટે ક્ષતિગ્રસ્ત વાહન સુધી પહોંચવું ભારે પડકારજનક બન્યું હતું. કલાકોની કઠિન જહમત બાદ સવારે 8:00 વાગ્યા સુધી ચાલેલી બચાવ કામગીરી દરમિયાન મૃતદેહો અને ઘાયલ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા.

જાબો ગામમાં શોકનો માહોલ

આ અકસ્માતમાં આની તહસીલના કરાના પોસ્ટ ઓફિસ હેઠળ આવતા જાબો ગામના ચાર આશાસ્પદ યુવકો - રાહુલ રાણા, બાલ કૃષ્ણ, વિકાસ (ઉર્ફે વિક્કી) અને ગુંજનના ઘટનાસ્થળે જ અકાળે મોત નિપજ્યા હતા. એક જ ગામના ચાર-ચાર યુવાનોના એકસાથે થયેલા દર્દનાક અવસાનથી જાબો ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

જ્યારે આ જ ગામના 28 વર્ષીય સુરેશ કુમાર નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સ્થાનિકો અને પોલીસની મદદથી તાત્કાલિક સારવાર માટે આની સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.