Himachal Pradesh Accident: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પઠાણકોટ-ભરમૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાહાડ ગામ પાસે એક કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જેમાં એક વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે.
અંતિમ વાતચીત અને અધૂરું વચન
આ પણ વાંચો
આ દુર્ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે અકસ્માતના માત્ર અડધો કલાક પહેલા જ પરિવારના મોભી બચન સિંહે તેમની પત્ની તૃપ્તા દેવી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "તૃપ્તા... અમે સવારે 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જઈશું. નાસ્તો તૈયાર રાખજે, આજે આપણે બધા સાથે બેસીને નાસ્તો કરીશું". પત્નીએ ઘરે આનંદથી નાસ્તાની તૈયારી શરૂ કરી દીધી હતી, પરંતુ ઘરના ઉંબરે સ્વજનોના ડગલાં પડે તે પહેલાં તેમના મોતના સમાચાર પહોંચ્યા હતા.
સારવાર કરાવીને પરત ફરી રહ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ, આ પરિવાર ચંદીગઢથી 1 વર્ષના માસૂમ બાળકની સારવાર કરાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ગેહરા ગામના રહેવાસી બચન સિંહ વ્યવસાયે ડ્રાઈવર હતા. તેમની સાથે કારમાં તેમનો પુત્ર રિપન કુમાર (જે હિમાચલ પ્રદેશ પોલીસમાં જવાન તરીકે કાર્યરત હતા), પુત્રવધૂ રિમ્પી, ભત્રીજી કીર્તિ અને 1 વર્ષનું બાળક સવાર હતા. કીર્તિ બચન સિંહના ભાઈની દીકરી હતી અને ચંદીગઢમાં અભ્યાસ કરતી હતી.
બચાવ કામગીરીમાં નડ્યા અવરોધ
અકસ્માતની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ હતી. જોકે, સતત પડી રહેલા ભારે વરસાદ અને બનીખેત પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધાયેલો હોવાને કારણે રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. જે પરિવાર માટે તૃપ્તા દેવી નાસ્તો બનાવવાની તૈયારી કરી રહી હતી, હવે તે જ પરિવારના 5 સભ્યોની અર્થીઓ એકસાથે તેમના આંગણેથી ઉઠશે. આ ઘટનાથી સમગ્ર ચંબા જિલ્લામાં અને ગેહરા ગામમાં શોકની લહેર ફરી વળી છે.
