Himachal Pradesh Accident: ચંબામાં ગમખ્વાર અકસ્માત, 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકી, 7 લોકોના મોત

અકસ્માતગ્રસ્ત કારમાં સવાર તમામ લોકો મહલ ગામના હોવાની માહિતી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 18 Jun 2026 09:50 AM (IST)Updated: Thu, 18 Jun 2026 09:50 AM (IST)
himachal-pradesh-news-chamba-tragic-road-accident-bolero-falls-into-gorge-7-dead

Himachal Pradesh Road Accident: હિમાચલ પ્રદેશના ચંબામાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. પુખરી વિસ્તાર હેઠળ આવતા ચંબા-મસરુંડ માર્ગ પર છતરુંડ પાસે એક બોલેરો કાર કાબૂ ગુમાવીને ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બનાવમાં સાત લોકોના દુઃખદ મોત નિપજ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ ગામના હોવાનું જાણવા મળ્યું છે.

મુંડન સંસ્કારમાંથી પરત ફરતા કાળ ભેટી ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભયાનક દુર્ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. અકસ્માતનો ભોગ બનેલી બોલેરો (રજિસ્ટ્રેશન નંબર HP-01C-2581) ગ્રામ પંચાયત કુઠેડના મહલ ગામની હોવાનું સામે આવ્યું છે. મહલ ગામના આ લોકો કાકડોથા ગામમાં આયોજિત એક મુંડન સંસ્કારના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.

જમણવાર પતાવ્યા બાદ રાત્રે આ તમામ લોકો બોલેરોમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન છતરુંડ પાસે વાહન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બોલેરો ગાડી સીધી જ ઊંડી ખીણમાં જઈ પડી હતી.

કારનો ભુક્કો બોલ્યો, સ્થળ પર જ 6 લોકોના મોત 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનના ફુરચા ઊડી ગયા હતા અને તેમાં સવાર છ લોકોના તો ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તાર અને ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

naidunia_image

સ્થાનિકોએ જીવના જોખમે મૃતદેહો બહાર કાઢ્યા 

અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામના લોકો સૌથી પહેલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોએ જાતે જ ખીણમાં ઉતરીને ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો છે કે જે સ્થળે આ દુર્ઘટના ઘટી ત્યાં રસ્તાની બાજુમાં સુરક્ષા માટે કોઈ 'ક્રેશ બેરીયર' લગાવવામાં આવ્યા ન હતા. લોકોનું માનવું છે કે જો રસ્તા પર યોગ્ય સુરક્ષા પ્રબંધ હોત તો આટલા મોટા અને ગંભીર અકસ્માતને નિવારી શક્યા હોત.

મૃતકોની ઓળખ અને પોલીસ તપાસ શરૂ

ચંબાના પોલીસ અધિક્ષક (SP) વિજય કુમાર સકલાનીએ માહિતી આપી હતી કે છતરુંડ પાસે બોલેરો અકસ્માતગ્રસ્ત થયાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. પોલીસ અને પ્રશાસનની ટીમોએ પહોંચીને સ્થાનિકો સાથે મળીને બચાવ કામગીરીમાં હાથ બટાવ્યો હતો.

પ્રશાસન દ્વારા મૃતકોની ઓળખ અને અન્ય ઔપચારિકતા પૂરી કરવામાં આવી રહી છે. આ સાથે જ, પોલીસે આ મામલે ગુનો નોંધીને દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે.