Greater Noida Bus Fire: યમુના એક્સપ્રેસવે પર ગોઝારો અકસ્માત, સ્લીપર બસમાં આગ લાગી; નવ મુસાફરોના મોત

સમય રહેતા 20થી વધુ મુસાફરોએ બસની બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 24 Sep 2026 08:04 AM (IST)Updated: Thu, 24 Sep 2026 08:29 AM (IST)
greater-noida-yamuna-expressway-sleeper-bus-fire-raj-kalpana-travels-accident-many-passengers-die
Greater Noida Bus Fire

Greater Noida Bus Fire: ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસ-વે પર એરપોર્ટ ઈન્ટરચેન્જ નજીક બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દિલ્હી અને નોઈડાથી મહોબા તરફ જઈ રહેલી રાજ કલ્પના ટ્રાવેલ્સની ડબલ ડેકર AC સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ નીકળી હતી. આ દુર્ઘટના સમયે બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા. જોકે, અંદર ફસાયેલા 9 મુસાફરોના મોત થયા છે.

એન્જિનમાંથી શરૂ થઈ આગ, મુસાફરો બારીમાંથી કૂદ્યા

પ્રત્યક્ષદર્શીઓ અને મુસાફરોના જણાવ્યા અનુસાર, આગ ડ્રાઈવર સીટ અને એન્જિન પાસેના ભાગમાંથી શરૂ થઈ હતી. ડ્રાઈવરે આગ જોઈને બસને ઓવર ટેકિંગ લેનમાંથી બાજુમાં લીધી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ વધતાં જ ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરોને બહાર નીકળવા માટે બૂમો પાડી હતી.

 

બસની અંદર ધુમાડો ભરાઈ જવાથી મુસાફરોનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા માટે 20 થી વધુ મુસાફરો ઉતાવળમાં બસની બારીમાંથી કૂદી પડ્યા હતા. જોકે, અંદર ફસાઈ ગયેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 9 લોકો બહાર નીકળી શક્યા ન હતા, અને તેમના કરૂણ મોત થયા હતા.

કટરથી બસના પતરા કાપીને નવ મૃતદેહ બહાર કઢાયા

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગની 5 ગાડીઓ અને યમુના એક્સપ્રેસ-વે સુરક્ષા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યાં સુધીમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી તીવ્ર હતી કે મૃતદેહો બળીને હાડપિંજરમાં ફેરવાઈ ગયા હતા. લગભગ પાંચ કલાક સુધી ચાલેલા બચાવ કાર્ય દરમિયાન સુરક્ષા ટીમોએ બસના પતરાને કાપીને અંદરથી મૃતદેહો કાઢ્યા હતા.

DNA થી થશે મૃતકોની ઓળખ, વાહન વ્યવહાર ઠપ્પ

તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી માટે કૈલાશ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હોવાથી સ્થળ પર તેમની ઓળખ શક્ય બની ન હતી. પોલીસ હવે બસ ટિકિટ બુકિંગ વિગતોના આધારે મુસાફરોના સ્વજનોનો સંપર્ક કરી રહી છે અને સંબંધીઓના DNA નમૂના મેચ કરીને જ મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરાશે.

આ અકસ્માતના કારણે જેવર ટોલ અને એરપોર્ટ ઈન્ટરચેન્જ પર લગભગ 30 મિનિટ સુધી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહ્યો હતો, જે દરમિયાન બે કાર પણ અથડાઈ હતી. બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ ટ્રાફિક પુનઃ શરૂ કરાયો હતો. જેવરના સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે બચેલા મુસાફરોને પ્રાથમિક સારવાર આપીને ટેમ્પો ટ્રાવેલર મારફતે ગંતવ્ય સ્થાને રવાના કર્યા હતા.