'મેં કોકપિટનો દરવાજો ખોલ્યો, તેણે ફરી બંધ કરી દીધો... અને પછી': પાયલટ સ્મિત મચ્છરે વર્ણવી ફ્લાઇટની ભયાનક ઘટના

ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ થવા છતાં, મુંબઈના બહાદુર કેપ્ટન સ્મિતે અસાધારણ ધીરજ અને સાહસ દાખવીને હાઇજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો અને 27 બાળકો સહિત કુલ 174 મુસાફરોના જીવ બચાવ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 04 Oct 2026 03:43 PM (IST)Updated: Sun, 04 Oct 2026 03:43 PM (IST)
flydubai-flight-hijack-attempt-failed-indian-pilot-captain-smit-machhar-heroic-rescue
કેપ્ટન સ્મિત મચ્છર

Captain Smit Machhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' (Flydubai)ની ફ્લાઇટ FZ1073 માં મધ્ય-આકાશમાં એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 34,000 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી રહેલા વિમાનના ઓમાની કો-પાયલટે જહાજને હાઇજેક કરવાના આતંકવાદી કાવતરાના ભાગરૂપે ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છર પર ઈમરજન્સી કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ થવા છતાં, મુંબઈના બહાદુર કેપ્ટન સ્મિતે અસાધારણ ધીરજ અને સાહસ દાખવીને હાઇજેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો અને 27 બાળકો સહિત કુલ 174 મુસાફરોના જીવ બચાવ્યા હતા.

કોકપિટમાં બનેલી ભયાનક ઘટનાની આપવીતી

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કેપ્ટન સ્મિત મચ્છરે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરતી વખતે આ ભયાનક બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉડાન દરમિયાન કો-પાઈલટે નમાજની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે ગલ્ફ ક્ષેત્રમાં એક સામાન્ય બાબત ગણાય છે. વ્યાવસાયિક સૌજન્ય દાખવીને કેપ્ટને તેને એકાંત મળે તે માટે પોતાની નજર સામેની તરફ ફેરવી લીધી હતી. પરંતુ, તેના ચારથી પાંચ મિનિટ બાદ જ કો-પાઈલટે કોકપિટમાં રાખવામાં આવેલી ઈમરજન્સી ક્રેશ કુહાડી વડે કેપ્ટનના માથાના પાછલા ભાગે એક પછી એક અનેક જોરદાર પ્રહારો કર્યા હતા.

શરૂઆતમાં કેપ્ટન સ્મિતને લાગ્યું કે વિમાનમાં કોઈ મોટી યાંત્રિક ખામી સર્જાઈ છે, પરંતુ માથા પર સતત થતા પ્રહારોને કારણે તેમની આંખો સામે અંધારા છવાઈ ગયા હતા અને તેમને સમજાઈ ગયું કે આ તેમની સાથે રહેલા પાયલટનો જ હુમલો છે.

અંતિમ ક્ષણોમાં બહાદુરીભર્યો સંઘર્ષ અને સુરક્ષિત લેન્ડિંગ

વિમાન ઝડપથી નીચે તરફ જઈ રહ્યું હતું અને 34,000 ફૂટથી ઘટીને 17,000 ફૂટથી વધુ નીચે આવી ગયું હતું. કોકપિટના ફ્લોર પર લોહીલુહાણ હાલતમાં પડેલા કેપ્ટનને મુસાફરોના ચીસ પાડવાના અવાજો સંભળાઈ રહ્યા હતા. પોતાની અંતિમ શક્તિ એકત્ર કરીને કેપ્ટન સ્મિત ઊભા થયા અને તમામ અવરોધોનો સામનો કરીને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા. દરવાજો ખુલતા જ બહાર સતર્ક રહેલા કેબિન ક્રૂ અને મુસાફરો તરત જ અંદર દોડી આવ્યા હતા અને હુમલાખોરને કાબૂમાં લીધો હતો.

વિમાનને તાત્કાલિક સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કેપ્ટન સ્મિત ઓક્સિજન માસ્ક પહેરેલા અને લોહીલુહાણ કપડાંમાં જોવા મળ્યા હતા, જેમની વીરતાને આજે આખું વિશ્વ સલામ કરી રહ્યું છે.

કોણ છે અસલી હીરો કેપ્ટન સ્મિત અને હુમલાખોર કો-પાયલટ?

મુંબઈના ઘાટકોપરના નિવાસી 38 વર્ષીય કેપ્ટન સ્મિત મચ્છર 13 વર્ષથી વધુનો કમર્શિયલ એવિએશન અનુભવ ધરાવે છે અને 9,500 કલાકથી વધુ ઉડાન ભરી ચૂક્યા છે. ફ્લાયદુબઈ પહેલાં તેઓ સ્પાઈસજેટમાં 'લાઈન ટ્રેનિંગ કેપ્ટન' તરીકે સેવા આપી ચૂક્યા છે.

બીજી તરફ, હુમલો કરનાર ઓમાની નાગરિક કો-પાયલટ હમામ અલ-હમ્મામી અગાઉ પણ કટ્ટરપંથી વિચારો ધરાવતો હતો અને ઓમાનમાં તેના પર ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. યુએઈના એટર્ની જનરલ હમાદ સૈફ અલ શમસીએ આ ઘટનાને આતંકવાદી કાવતરું ગણાવ્યું છે અને આટલી વિવાદિત પૃષ્ઠભૂમિ હોવા છતાં તેને ફ્લાયદુબઈમાં નોકરી કેવી રીતે મળી તે અંગે હાલમાં ઉચ્ચ સ્તરીય ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.