Election Commission Internal Dispute: ભારત નિર્વાચન આયોગ (ECI) ના બે ચૂંટણી કમિશનરડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશીએ આયોગના જ વરિષ્ઠ અધિકારીના વર્તન અને કામગીરી સામે ગંભીર આપત્તિ વ્યક્ત કરતાં કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને પત્ર લખીને તેમનીસામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રાઈટ ટુ ઇન્ફોર્મેશન (RTI) કાયદા હેઠળ બહાર આવેલા 14 પાનાના સત્તાવાર દસ્તાવેજમાંથી આ મોટો ખુલાસો થયો છે.
માહિતી અનુસાર, બંને ચૂંટણી કમિશનરોએ 29 જુલાઈ, 2026 ના રોજ કેબિનેટ સચિવને અલગ-અલગ પત્ર પાઠવ્યા હતા. આ પત્રો વરિષ્ઠ ઉપ ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ (IAS, HP:1996) દ્વારા જારી કરવામાં આવેલા એક આદેશ સંબંધિત હતા, જેમાં આયોગ અથવા કમિશનરો સાથે કોઈપણ પ્રકારની પૂર્વ ચર્ચા કે મંજૂરી લીધા વિના સિનિયર અધિકારીઓ વચ્ચે કામની વહેંચણી બદલી નાખવામાં આવી હતી.
આ પણ વાંચો
આ અગાઉ ધ ઈન્ડિયન એક્સપ્રેસના 23 સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ, છેલ્લા 10 મહિનામાં બંને કમિશનરોએ મતદાતા યાદીમાં નવા મતદારો ઉમેરવા તથા નામ કમી કરવા સહિતના પગલાં સામે 14 વખત સત્તાવાર રીતે આપત્તિ દર્શાવી હતી. RTI દસ્તાવેજો દર્શાવે છે કે ઉપ ચૂંટણી કમિશનર ભાનુ પ્રકાશ યેતુરુ 27 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી રજા પર હોવાથી વરિષ્ઠ ઉપ ચૂંટણી કમિશનર મનીષ ગર્ગને વહીવટ (પ્રશાસન) વિભાગનો વધારાનો પ્રભાળ સોંપવામાં આવ્યો.
મનીષ ગર્ગે લિંક ઓફિસર તરીકે ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ 28 જુલાઈના રોજ એક કાર્યાલય આદેશ જારી કરીને વરિષ્ઠ ઉપ ચૂંટણી કમિશનરો, ઉપ ચૂંટણી કમિશ્નર અને મહાનિદેશકો વચ્ચે કાર્ય-વહેંચણીમાં ફેરફાર કરી દીધો હતો. ડૉ. સંધૂએ પોતાના પત્રમાં આક્ષેપ કર્યો કે, મનીષ ગર્ગે કમિશ્નરો સાથે ચર્ચા કર્યા વગર અને મંજૂરી લીધા વગર જ ખુદ તથા પોતાના સમકક્ષ કે વરિષ્ઠ અધિકારીઓને મહત્વના કામો સોંપી દીધા હતા.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ પગલું મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 ની કલમ 18(1) અને 18(2) નું સીધું ઉલ્લંઘન કરે છે. તેવી જ રીતે, ડૉ. વિવેક જોશીએ પણ પત્રમાં લખ્યું હતું કે આદેશ જારી કર્યા બાદ જ્યારે તેમણે પ્રશાસન વિભાગ સંબંધિત ફાઇલ માંગી ત્યારે તેમને ફાઈલ પૂરી પાડવામાં આવી નહોતી.
બંને કમિશનરોની ફરિયાદો સીધી કેબિનેટ સચિવ પાસે પહોંચતા કેબિનેટ સચિવાલય દ્વારા આ બાબતની ગંભીરતાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જોકે, સચિવાલયની ફાઇલ નોટમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, આ પત્રો કમિશનરોએ તેમની વ્યક્તિગત ક્ષમતામાં મોકલ્યા છે અને તેને સમગ્ર આયોગનો સત્તાવાર સંવાદ ગણી શકાય નહીં, જેથી બંધારણીય સંસ્થાના કામકાજમાં સીધો હસ્તક્ષેપ કરવો અયોગ્ય ગણાશે.
કેબિનેટ સચિવાલયની ભલામણ બાદ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને 5 ઓગસ્ટ, 2026 ના રોજ બંને પત્રોની પહોંચ સ્વીકારી અને તેની નકલ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT) ના સચિવ, એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર તથા મુખ્ય ચૂંટણી કમિશનરના પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરીને મોકલી આપી હતી. આ સમગ્ર બાબતે નિવૃત્ત કોમોડોર લોકેશ કે. બત્રા દ્વારા 24 સપ્ટેમ્બરે દાખલ કરેલી RTI અરજીના જવાબમાં દસ્તાવેજો જાહેર થયા છે. જોકે, આ ફરિયાદ બાદ મનીષ ગર્ગ સામે કોઈ આગળની તપાસ કે કાર્યવાહી થઈ છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
