SIR Controversy: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, જો વિપક્ષ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કોઈ નવો મહાભિયોગ પ્રસ્તાવ લાવશે, તો સંસદીય નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ જ તેની ચકાસણી કરવામાં આવશે. મતદાતા યાદીઓના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) માં કથિત અનિયમિતતાઓને લઈને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચના વડાને પદ પરથી હટાવવાની માંગણી વધુ ઉગ્ર બની છે.
આ અગાઉ પણ વિપક્ષ દ્વારા જ્ઞાનેશ કુમારને હટાવવાના 2 પ્રયાસો કરવામાં આવ્યા, જેમાંથી પ્રથમ પ્રયાસની નોટિસ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ફગાવી દેવામાં આવી હતી. જ્યારે બીજા પ્રયાસની નોટિસ હજુ પણ રાજ્યસભામાં પેન્ડિંગ છે. પત્રકારો સાથેની વાતચીતમાં લોકસભા અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ નવી નોટિસ આવશે તો સંસદીય નિયમો અનુસાર જ આગળની કાર્યવાહી થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે છેલ્લા 2 સપ્તાહથી વિરોધ પ્રદર્શનો અત્યંત તેજ થઈ ગયા છે અને વિપક્ષી રાજકીય પક્ષો મતદાતા યાદી પુનરીક્ષણમાં ગડબડના આરોપ સાથે તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે.
એક અહેવાલમાં ખુલાસો થયો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં SIR સંબંધિત નિર્ણયો અને આદેશો પર ઓછામાં ઓછી 14 વાર પોતાની ગંભીર આપત્તિઓ નોંધાવી હતી.
આ બંને ચૂંટણી કમિશનરોએ આરોપ લગાવ્યો હતો કે, આ તમામ આદેશો તેમની જાણકારી કે ભલામણ વિના જ જારી કરી દેવામાં આવ્યા હતા. આ આંતરિક વિવાદને કારણે વિશેષ ગહન પુનરીક્ષણના સંચાલન તેમજ ચૂંટણી પંચની વહીવટી કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
