El Nino Effect on Monsoon: દેશભરમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની ઘટ અને આકરી ગરમીનો સામનો કર્યા બાદ, હવામાન વિભાગે (IMD) સપ્ટેમ્બર મહિના માટે પણ ચિંતાજનક આગાહી કરી છે. 125 વર્ષમાં ઓગસ્ટ મહિનો સૌથી ગરમ રહ્યા બાદ, સપ્ટેમ્બરમાં પણ ચોમાસું નબળું રહેવાની અને તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં અલ-નીનોની અસર યથાવત રહેવાથી વરસાદ સામાન્ય કરતા ઓછો રહી શકે છે.
સપ્ટેમ્બરમાં વરસાદ અને ગરમીની શું છે આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં નબળું રહેલું ચોમાસું સપ્ટેમ્બરમાં પણ સંપૂર્ણ રીતે સક્રિય થાય તેવા કોઈ જ સંકેતો નથી. સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે 167.9 mm વરસાદ નોંધાય છે, પરંતુ આ વર્ષે દેશના અનેક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે. આગાહી મુજબ, સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદના 91% જેટલો વરસાદ થવાની સંભાવના છે. એટલે કે આ મહિને વરસાદની ઘટ 9% જેટલી રહી શકે છે. વરસાદ ઓછો રહેવાની સાથે સરેરાશ મહત્તમ અને લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે.
શું અલ-નીનોની અસર સપ્ટેમ્બરમાં પણ જોવા મળશે?
હા, હવામાન વિભાગના મોટાભાગના ડાયનેમિક મોડલ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના બાકીના સમયગાળા દરમિયાન અલ-નીનોની સ્થિતિ યથાવત રહેવાના સંકેત આપી રહ્યા છે. IMD ના મોડલ મુજબ, ચોમાસાની બાકીની સિઝનમાં અલ-નીનો વધુ મજબૂત થવાની શક્યતા છે, જેના કારણે સપ્ટેમ્બરમાં પણ ગરમીનો પ્રકોપ અને વરસાદની અછત જોવા મળી શકે છે.
કયા વિસ્તારોમાં સારા વરસાદની આશા છે?
જોકે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે, પરંતુ કેટલાક ભાગોને રાહત મળી શકે છે. આગાહી મુજબ ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પૂર્વ, પૂર્વ-મધ્ય ભારત અને દક્ષિણ-પૂર્વીય દ્વીપકલ્પીય ભારતના કેટલાક વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.
ઓગસ્ટ મહિનામાં વરસાદ અને તાપમાનનો કેવો રહ્યો રેકોર્ડ?
ઓગસ્ટ મહિનામાં દેશભરમાં કુલ 213.3 mm વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં 16.3% ઓછો છે. વરસાદની અછતની સાથે ગરમીએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓગસ્ટ દરમિયાન દેશનું સરેરાશ લઘુત્તમ તાપમાન 24.36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે વર્ષ 1901 પછીનું સૌથી વધુ છે. જ્યારે સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ છે. સમગ્ર ચોમાસાની સિઝન પર નજર કરીએ તો 1 જૂનથી 31 ઓગસ્ટ સુધીમાં વરસાદની કુલ ઘટ 13.8% નોંધાઈ છે.
