Kunal Kamra Controversy: મુંબઈમાં એક શો દરમિયાન કોમેડિયન કુણાલ કામરાએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમને 'દેશદ્રોહી' અને 'થાણે કા રીક્ષા' કહીને કટાક્ષ કર્યો હતો. મુંબઈ પોલીસે કામરાને સમન્સ પાઠવ્યા છે. હવે આ મામલે એકનાથ શિંદેનું નિવેદન સામે આવ્યું છે. જાણો શું કહ્યું
બોલવાની એક સીમા હોવી જોઈએ...
કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલા મજાક પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે બોલવાની આઝાદી છે અમે કટાક્ષ પણ સમજીએ છીએ પરંતુ એક સીમા પણ હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શિવસેનાના અનેક નેતાઓ કામરાના જોક પર વાંધો ઉઠાવીને તેમને ધમકી આપી ચુક્યા છે.
કોઈની વિરુદ્ધ બોલવાની સોપારી લીધી છે...
એકનાથ શિંદેએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે જાણે કોઈની વિરુદ્ધ બોલવાની સોપારી લીધી છે. બીજી વ્યક્તિએ એક સ્તર જાળવી રાખવું જોઈએ, નહિં તો એક્શનનું રિએક્શન આવી શકે છે. આ એ જ વ્યક્તિ છે જેણે સુપ્રીમ કોર્ટ, વડાપ્રધાન અને કેટલાક બિઝનેસમેન પર ટિપ્પણી કરી છે. આ બોલવાની સ્વાતંત્ર્ય નથી. આ કોઈ બીજા માટે કામ કરી રહ્યા છે.
માફી નહિ માંગે કુણાલ કામરા
આ મુદ્દે કામરાએ કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગશે નહીં. આ સાથે તેમણે મુંબઈમાં જ્યાં 'કોમેડી શો' રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યાં થયેલી તોડફોડની ટીકા કરી હતી.
