Driving License New Rules: જો તમે પણ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન લર્નિંગ લાઇસન્સ પરીક્ષાના નિયમો વધુ કડક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ, હવે ઓનલાઇન સુરક્ષિત ડ્રાઇવિંગ કોર્સની પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ મેળવવા પડશે. અત્યાર સુધી આ મર્યાદા 60 ટકાની હતી. આ સમગ્ર ઓનલાઇન ટેસ્ટ અંદાજે 30 મિનિટનો રહેશે.
સુધારા-વધારા માટે નહીં ચૂકવવો પડે વધારાનો ચાર્જ
નવા નિયમોમાં વાહનચાલકોને કેટલીક મોટી રાહત પણ આપવામાં આવી છે. જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સમાં નામ કે સરનામું બદલાવવું હશે, તો તેના માટે લેવાતી ફી સંપૂર્ણપણે નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, આધાર કાર્ડ દ્વારા વેરિફાઇડ થતી કેટલીક પસંદગીની ઓનલાઇન સેવાઓમાં પણ ફીમાંથી છૂટછાટ આપવાનો પ્રસ્તાવ છે.
15 દિવસમાં જ થશે અરજીનો નિકાલ
લાઈસન્સમાં વિગતો સુધારવા માટે કરવામાં આવેલી અરજીઓ પર હવે પરિવહન વિભાગે 15 દિવસની અંદર નિર્ણય લેવો પડશે. જો કોઈ કારણોસર અરજી રદ કરવામાં આવે, તો તેનું ચોક્કસ કારણ પણ અરજદારને જણાવવું પડશે.
આ દસ્તાવેજો માન્ય ગણાશે
ડ્રાફ્ટ નિયમો અનુસાર, ઓળખ, ઉંમર અને રહેઠાણના પુરાવા તરીકે નીચે મુજબના પુરાવાઓ માન્ય રાખવામાં આવશે-
- આધાર કાર્ડ
- પાસપોર્ટ
- મતદાર ઓળખપત્ર (Voter ID)
- ઈ-રાશન કાર્ડ
- જન્મનું પ્રમાણપત્ર
આ સિવાય હવેથી તમામ નવા જારી થતા અને રિન્યૂ થતા ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ-7 હેઠળ લેમિનેટેડ અથવા PVC સ્માર્ટ કાર્ડ સ્વરૂપે જ આપવામાં આવશે. મંત્રાલયે આ પ્રસ્તાવિત નિયમો પર તમામ ભાગીદારો અને સામાન્ય જનતા પાસેથી 30 દિવસની અંદર સૂચનો અને વાંધા મંગાવ્યા છે.
