Delhi Building Collapse: રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. દિલ્હીના વિવેક વિહાર એરિયામાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હોવાની માહિતી સામે આવી છે. જેમાં એક જ પરિવારમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકમાં એક 3 વર્ષની બાળકી હોવાની વાત સામે આવી છે. સવારે જ્યારે લોકો પોતપોતાના રોજીંદા કામોમાં લાગેલા હતા ત્યારે અચાનક ઈમારત ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર કર્મચારીઓ ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, ફાયરની ટીમ આવી તે પહેલા સ્થાનિક લોકોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા કામે લાગી ગયા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા જોન ચેરમેન અને ધારાસભ્ય સંજય ગોયલ પણ દૂર્ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ અંગે વિગતે ચર્ચા કરી હતી.
કાટમાળમાં દબાવાથી બે લોકો મોતને ભેટ્યા
આ પણ વાંચો
આ અકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર બિલ્ડીંગ ધરાશાયી થવાથી 3 વર્ષની બાળકી ખુશ્બુ અને 30 વર્ષીય યુવક પિન્ટુ મોતને ભેટ્યા છે. આ ઉપરાંત ઘાયલ 4 લોકોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ ઈમારત ધરાશાયી થવા અંગે સ્થાનિકોનું કહેવુ છેકે તે ખુબ જૂની હતી અને જર્જરીત હતી. આ ઈમારતના માલિક સુરેન્દ્ર સિંહ નામના વ્યક્તિ હોવાની વાત સામે આવી છે. પોલીસ આ અંગે તમામ માહિતી એકઠી કરી રહી છે.
તો બીજી તરફ જે વિવેક વિહાર વિસ્તારમાં આ દૂર્ઘટના બની છે તે વિસ્તાર ઘણો સાંકડો છે તેથી રાહત અને બચાવ કાર્ય કરવામાં ફાયર વિભાગને ઘણી સમસ્યા આવી રહી છે. સામે આવેલી વિગતો અનુસાર અકસ્માત સમયે પહેલા માળે બાળકી ખુશ્બુ અને દેવાંશ નામનો યુવક હાજર હતા જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર પિંટૂ, વિકેશ, આકાશ અને દીલીપ હાજર હતા. જેમાં બાળકી ખુશ્બુ અને પીન્ટૂનું મોતને ભેટ્યા છે.
50 વર્ષ જુની હતી ઈમારત
કેટલાક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જે બિલ્ડીંગ ધરાશાયી થઈ તે અંદાજે 50 વર્ષ જુની હતી. કોર્પેરેશનના અધિકારીઓ કહ્યું કે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને કોઈ કાટમાળમાં દબાયેલું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
