Saket Building collapses: નવી દિલ્હીના સાકેત વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થવાથી એક મોટી અને કરુણ દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે મેડિકલ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. આ બિલ્ડીંગમાં ખાસ કરીને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMG) અને NEET-PG ની તૈયારી કરી રહેલા યુવા ડોક્ટરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રભાવિત થયા છે.
રેસ્ક્યુ ઓપરેશન અને બચાવ કામગીરી
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMG) ના પ્રમુખ ડૉ. જસવંતે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 9 થી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઈજા પામેલા બે લોકોને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જોકે, કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે અને તેમને કાઢવાની કામગીરી સતત ચાલુ છે.
રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલી ટીમોને ઈમારતની અંદર જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. ડૉ. જસવંતે ઘટનાસ્થળે ક્રેન અને અન્ય જરૂરી સુવિધાઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જેના કારણે ફસાયેલા લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે
દિલ્હી પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર તૈયાર
ઘટનાસ્થળે ભારે નાસભાગ અને દહેશતનો માહોલ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે દિલ્હી પોલીસ દ્વારા વિશેષ 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવ્યો છે. દુર્ઘટનાનો શિકાર બનેલા કેટલાક મૃતદેહોને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના માતા-પિતા પણ અત્યંત ચિંતિત છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ;રેત-ધૂળ ભરેલી આંધી ત્રાટકી, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે Video
બિલ્ડીંગમાં ચાલતી હતી કોમર્શિયલ પ્રવૃત્તિ
જે ઈમારત ધરાશાયી થઈ છે તેમાં કોચિંગ સેન્ટર, PG, ઓફિસ, કેફે અને અન્ય ઘણી વ્યાવસાયિક પ્રવૃત્તિ ચાલતી હતી. સદનસીબે, દુર્ઘટના શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડમાં સાંજના સમયે બની હોવાથી મોટાભાગની ઓફિસો બંધ હતી. લોકો બહાર ગયા હતા, જેના કારણે વધુ મોટી જાનહાનિ થતા અટકી ગઈ છે.
તબીબી સમુદાય આ ઘટનાથી ભારે દુઃખી અને સ્તબ્ધ છે. મેડિકલ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવવા માટે મહેનત કરી રહેલા યુવા ડોક્ટરો આ કરુણ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. અસરગ્રસ્ત થયેલા યુવાનોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.
