Reservation Hatao Andolan: દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના અંતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું ત્યારથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનામત હટાવવાની માંગને લઈને ડિજિટલ આંદોલને જોર પકડ્યું છે.
એવામાં દિલ્હી પોલીસ દ્વારા 'અનામત હટાવો આંદોલન'ને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શન દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં સાંજ સુધી જ યોજી શકાશે. આ સાથે જ આ પ્રદર્શનમાં 500 લોકોને જ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સંદર્ભે દિલ્હી પોલીસ દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં તેમણે 'અનામત હટાવો આંદોલન' માટે મંજૂરી આપી હોવાનું જણાવ્યું છે. આ સાથે જ સૂચના આપી છે કે, વિરોધ પ્રદર્શન શાંતિ પૂર્ણ રહે અને કાયદાનું પાલન કરવું પડશે. અમને વિરોધ પ્રદર્શનનો કોઈ વાંધો નથી, બસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેવી જોઈએ.
દિલ્હી પોલીસ દ્વારા આ આદેશ 'અનામત હટાવો આંદોલન' નામના ઈન્સ્ટાગ્રામ પેજના ડિજિટલ અભિયાન વચ્ચે જારી કર્યું છે. જેમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ની માફક જંતર-મંતર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઈન્સ્ટાગ્રામ પર 56 લાખ ફૉલોઅર્સ ધરાવતા આ ડિજિટલ અભિયાન અંતર્ગત સૌ પ્રથમ 21 ઓગસ્ટે જંતર-મંતર પર અનામત વિરોધી પ્રદર્શન માટે હાકલ કરવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા સત્તાવાર ફેસબુક પેજ પર જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કે જાહેર સભા માટે મંજૂરી આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો.
