Malviya Nagar Hotel Fire: દક્ષિણ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આજે સવારે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. હૌઝ રાની સ્થિત ફ્લોરિશ સ્ટે B&B (Flourish Stay B&B) હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
પ્રાથમિક માહિતી મુજબ, હોટલના બેઝમેન્ટ રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઇલેક્ટ્રિક સ્ટોવ ચાલુ કરતાની સાથે જ એક જોરદાર વિસ્ફોટ થયો, ત્યારબાદ આગ ઝડપથી ફેલાઈ ગઈ.
શું બની હતી ઘટના?
બુધવારે સવારે લગભગ 8:48 વાગ્યે આ હોટલના બેઝમેન્ટમાં આગ લાગવાની જાણ ફાયર વિભાગને થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હોટલની ઇમારત ગીચ વિસ્તારમાં આવેલી હોવાથી અને તેમાં આવવા-જવા માટે માત્ર એક જ રસ્તો (સિંગલ એન્ટ્રી-એક્ઝિટ) હોવાથી લોકો અંદર ફસાઈ ગયા હતા. ધુમાડાથી ભરેલી ઇમારતમાંથી બહાર નીકળવા માટે કેટલાક લોકોએ ગભરાટમાં ઇમારત પરથી નીચે છલાંગ લગાવી હતી.
સ્થાનિક લોકો બન્યા દેવદૂત
ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ માનવતાની ઉત્તમ મિસાલ પેશ કરી હતી. તેમણે નજીકની દુકાનમાંથી ગાદલા લાવીને રસ્તા પર પાથરી દીધા હતા, જેથી જીવ બચાવવા નીચે કૂદતા લોકોના જીવ બચી શકે. આ પ્રયાસોને કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. બધા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
તંત્રની ગંભીર બેદરકારી?
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હોટલ પાસે ફાયર સેફ્ટીનું NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) નહોતું. ઉપરાંત, હોટલની મંજૂરી માત્ર થોડા રૂમો માટે હતી, પરંતુ ત્યાં ક્ષમતા કરતા વધુ રૂમો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હતા. પોલીસ દ્વારા આ મામલે કલપેબલ હોમિસાઈડ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
નેતાઓની સંવેદના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
