Delhi CJP Protest Update: મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP દ્વારા આજે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે દિલ્હીમાં BNS કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર ક્ષેત્રમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. વધુમાં, 57 મેટ્રો સ્ટેશન બંધ કરી 224 ટ્રેનો રદ કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં CJP દ્વારા વિરોધ પ્રદર્શન
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટે પરવાનગી આપી નથી, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો જંતર-મંતર પહોંચવા લાગ્યા છે. આ સ્થિતિમાં સુરક્ષા માટે 35,000 થી વધુ જવાનો તૈનાત કરી 35 ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે.
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણી
- મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમારનું રાજીનામું અને તેમની સામે ગુનાહિત કાનૂની કાર્યવાહી.
- સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર તાત્કાલિક રોક લગાવવી.
- જાન્યુઆરી 2025 ની મતદાર યાદી પુનઃસ્થાપિત કરવી.
- સમગ્ર મામલે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવી.
- વર્ષ 2023 ના ચૂંટણી આયુક્ત નિમણૂક કાયદાને રદ કરવો.
કલમ 163 લાગુ, 35,000થી વધુ જવાનો તૈનાત
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સમગ્ર દિલ્હી, ખાસ કરીને નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. સાથે જ BSF, CRPF અને દિલ્હી પોલીસના 35,000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વજ્ર વાહનો અને વોટર કેનન તૈનાત રાખવામાં આવ્યા છે. જંતર-મંતર અને તેની આસપાસના તમામ રસ્તાઓ પર મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
મંજૂરી ન આપવાનું કારણ અને દિલ્હી પોલીસનું નિવેદન
સંયુક્ત કમિશનર (નવી દિલ્હી રેન્જ) નૂપુર પ્રસાદના જણાવ્યા અનુસાર, CJP તરફથી સૌરભ દાસે 7 ઓક્ટોબરે પત્ર લખીને 10 ઓક્ટોબરના પ્રદર્શન માટે પરવાનગી માગી હતી. નિયમ મુજબ કોઈ પણ પ્રદર્શન માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલા અરજી કરવી ફરજિયાત હોય છે, પરંતુ આ અરજી સમયસર કરવામાં આવી નહોતી. આથી દિલ્હી પોલીસે આ પ્રદર્શનની પરવાનગી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
200 લોકોની અટકાયત અને 35 ડિટેન્શન સેન્ટર તૈયાર
દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, CJP સમર્થકોને દિલ્હીમાં ક્યાંય પણ પ્રદર્શન કરવાની મંજૂરી નથી. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી (AAP), CJP અને ડાબેરી પક્ષોના સક્રિય સમર્થક એવા આશરે 200 લોકોની અટકાયત કરવામાં આવી છે. CJP સમર્થકો IGI એરપોર્ટ, રેલવે સ્ટેશનો કે પાડોશી રાજ્યોની સરહદો પરથી ખાનગી વાહનો દ્વારા દિલ્હીમાં પ્રવેશ કરશે કે તુરંત તેમની અટકાયત કરવામાં આવશે અને તેમને 35 ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે.
આ પણ વાંચો
ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 57 મેટ્રો સ્ટેશન બંધ
દિલ્હી મેટ્રોના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે 57 મેટ્રો સ્ટેશનો શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શનિવારે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સરાય કાલે ખાં અને ન્યૂ અશોક નગર નમો ભારત સ્ટેશન પણ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી શનિવારે રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન આનંદ વિહારથી મોદીપુરમ વચ્ચે નમો ભારત ટ્રેન સેવા નિર્ધારિત સમય મુજબ ચાલુ રહેશે.
224 થી વધુ રેલવે ટ્રેનો રદ અને ઈન્ટરનેટ પર પાબંધી
વિરોધ પ્રદર્શનને પગલે ટ્રેન વ્યવહાર અને ઈન્ટરનેટ સેવાઓ પર પણ માઠી અસર પડી છે. શુક્રવારે બપોરે 2 વાગ્યા પછી નવી દિલ્હી, હઝરત નિઝામુદ્દીન અને તિલક બ્રિજ રેલવે સ્ટેશનથી ઉપડતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી હતી. શનિવારે સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આ સ્ટેશન પર આવતી ટ્રેનો પણ રદ રહેશે. શનિવારે રાજધાની, શતાબ્દી, વંદે ભારત અને 179 લોકલ ટ્રેનો સહિત કુલ 224 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
આ પહેલા પંજાબ અને દિલ્હી સરહદ પર ખેડૂતોના આંદોલન સમયે 24 સપ્ટેમ્બર 2020 થી લગભગ બે મહિના સુધી રાજધાનીથી ઉત્તર દિશા તરફ જતી તમામ ટ્રેનો રદ કરવી પડી હતી. દિલ્હીના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પાબંધી મૂકવામાં આવી છે. નવી દિલ્હી જિલ્લામાં જનપથ-કર્તવ્ય પથથી 4 કિલોમીટરના વિસ્તારમાં શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
