Crime News: રિસામણે બેઠેલી પત્નીને મનાવવા પતિ 175 કિમી ચાલીને સાસરીમાં પહોંચ્યો, ના માની તો સરેઆમ કેમેરા સામે ગળું કાપી નાંખ્યું

પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો વીડિયો રાહદારીએ મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યો. અમજદ પત્નીના ગાલે તમાચા મારી નીચે પાડી પછી રોડ પર ઢસડતો કેમેરામાં કેદ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Sep 2025 06:06 PM (IST)Updated: Sun, 21 Sep 2025 06:07 PM (IST)
crime-news-husband-attack-with-knife-on-wife-in-cuttak-odisha
પત્ની પર હુમલો કરનાર પતિ
HIGHLIGHTS
  • સતત ઝઘડા થતાં હોવાથી પત્ની પતિને છોડીને પિયર જતી રહી હતી
  • સ્થાનિકોએ આરોપી પતિને પકડીને પોલીસને હવાલે કર્યો

Crime News: ઓડિશાના બાલેશ્વર જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પતિ પોતાની રિસામણે બેઠેલી પત્નીને મનાવવા 175 કિલોમીટર પગપાળા ચાલીને તેના પિયર પહોંચ્યો હતો. જ્યાં પત્નીએ સાથે આવવાનો ઈનકાર કરતાં ઉશ્કેરાયેલા પતિએ કેમેરાની સામે જ તેનું ગળું ચીરી નાંખ્યું છે. આ હુમલામાં ગંભીર ઘાયલ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કટકના બક્સી બજારમાં રહેતા અમજદ શેખ અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ઝઘડા થઈ રહ્યા હતા. જેના પગલે તેની પત્ની રિસાઈને પોતાના પિયર બાલેશ્વર જતી રહી હતી.

આથી પત્નીને મનાવવા માટે અમજદ ગુરુવારે બક્સી બજારથી બાલેશ્વર જવા માટે ચાલતો નીકળ્યો હતો. કટક અને બાલેશ્વર વચ્ચે 175 કિલોમીટરનું અંતર છે. જે અમજદ પગપાળા કાપીને ત્યાં પહોંચ્યો હતો. બાલેશ્વર પહોંચીને અમજદે પત્નીને મળવા બોલાવી હતી. જ્યાં બન્ને જણા રોડની સાઈડમાં ઉભા રહીને વાતચીત કરી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક ઉશ્કેરાયેલા અમજદે પોતાના પેન્ટના ખિસ્સામાંથી ધારદાર ચાકુ કાઢ્યું અને પત્નીના ગળામાં ઘા ઝીંકીને કાપી નાંખ્યું. આ સમગ્ર ઘટના નજીકમાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં અમજદ પત્ની સાથે વાત કરતા અને તેની સાથે મારઝૂડ કરતો જોવા મળી રહ્યો છે. અમજદ પત્નીના ગાલ પર તમાચા મારે છે અને પછી તેને ઢસડીને રોડની સાઈડમાં લઈ જતો દેખાય છે. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો અમજદને રોકવાનો અને તેની પત્નીને પતિની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમજદ કોઈનું માનતો નથી અને ગળા પર ચાકુનો ઘા મારી દે છે. જે બાદ લોકોએ અમજદને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

જીવલેણ હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ ગયેલી અમજદની પત્નીને સૌ પ્રથમ બાલેશ્વરની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જો કે તેની હાલત વધારે ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ તેને સારવાર માટે કટક રિફર કરી છે. પોલીસનું કહેવું છે કે, મહિલા હાલ નિવેદન આપી શકે, તેની સ્થિતિમાં નથી. હાલ તો આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.