Crime News: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મોટાભાઈના નિધન બાદ યુવકે સંપત્તિ ખાતર વિધવા ભાભી સાથે પ્રણય ફાગ ખેલીને તેને તરછોડી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આટલું જ નહીં, દીયરે મેરેજ સર્ટિફિકેટના નામે પ્રોપર્ટી પેપર પર વિધવા ભાભીની સાઈન કરાવીને 5 વીઘા જમીન પોતાના નામે કરાવી દીધી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શાહજહાંપુરના કાંટ વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું વર્ષો અગાઉ મોત થઈ ગયું હતુ. જે બાદ તે સાસરીમાં પોતાના અપરણિત દીયર સાથે રહેતી હતી. આ દરમિયાન દીયરે ફરિયાદી મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. દીયરે લગ્નની લાલચ આપીને વિધવા ભાભી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતુ.
જ્યારે ફરિયાદી મહિલા લગ્ન માટે વાત કરે, તો દીયર ટાળતો હતો. એક દિવસ ફરિયાદીએ ભારપૂર્વક લગ્ન માટે દબાણ કરતાં દીયર પેપર લઈને આવ્યો અને કહ્યું કે, આ કોર્ટમાંથી મેરેજ સર્ટિફિકેટ માટેના પેપર છે. આથી ફરિયાદી મહિલાએ કશું જ વિચાર્યા વિના સાઈન કરી દીધી હતી.
જો કે પાછળથી મહિલાને જાણ થઈ હતી કે, દીયરે મેરેજના નામે પ્રોપર્ટી પેપર પર સાઈન કરાવીને 5 વીઘા જમીન પોતાના નામે કરાવી દીધી છે. જ્યારે ફરિયાદી મહિલાએ દીયરને આ વિશે વાત કરી તો તેણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આખરે આ મામલે મહિલા પોલીસની શરણે ગઈ હતી. જ્યાં સ્થાનિક નેતાના કારણે પોલીસે પણ તેને સાથ નહતો આપ્યો. જેથી મહિલાએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.આખરે કોર્ટના આદેશ બાદ પોલીસે મહિલાના દીયર વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
