Valsad: કોવિડ બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હ્રદયને લગતી બીમારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ ગયો છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો, જીમમાં કસરત કરતી વખતે તેમજ લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતાં-કરતાં હ્દય રોગના હુમલામાં લોકો આંખના પલકારામાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાના વાપીમાંથી સામે આવ્યો છે. જેમાં પોતાના પુત્રની બર્થ-ડે ઉજવણી કરતી વખતે માતાનું હાર્ટ એટેકથી મોત થયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ જિલ્લાના વાપી શહેરના છરવાડા વિસ્તારમાં રહેતા ધવલ બારોટ અને યામિની બારોટના પાંચ વર્ષના પુત્ર ગૌરિકનો શનિવારે બર્થ ડે હોવાથી શહેરની રોયલ શેલ્ટર હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જ્યાં યામિની બારોટ અને તેમના પતિ સ્ટેજ પર હતા અને બર્થ ડેમાં સામેલ અન્ય મહેમાનો પોતાની મસ્તીમાં હતા. પિતાએ બર્થ ડે બૉય પુત્રને તેડ્યો હતો અને તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા. આ સમયે યામિની બારોટ પુત્રને લેવા નીચે નમવાની સાથે જ પતિના ખભા પર ઢળી પડ્યા હતા. જે બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે યામિની બારોટને મૃત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજથી 6 મહિના અગાઉ દસમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપ્યા બાદ મિત્રની બાઈક પર બેસવા જતી વખતે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાતે સારવાર દરમિયાન વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતુ.
જ્યારે આજથી એક મહિના અગાઉ કચ્છ જિલ્લાના ભુજમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષ મિત્ર સંસ્થા દ્વારા દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આરતીબેન રાઠોડ નામના શિક્ષિકા દેશભક્તિનું ગીત ગાતા-ગાતા જ ખુરશીમાં ફસડાઈ પડ્યા હતા અને તેમને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતુ. જ્યાં સારવાર મળે તે પહેલા જ હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતુ.
