Kunal Kamra Eknath Shinde Controversy: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર તેમણે કરેલી કોમેડીને લઈને ભારે હંગામો મચ્યો છે. આ વિવાદ વચ્ચે કુણાલ કામરાએ એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટપણે માફી માંગવાનો ઇનકાર કર્યો છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
રાજકીય સર્કસ વિશે મજાક કરવી ગેરકાયદે નથી
કુણાલ કામરાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મીડિયાએ યાદ રાખવું જોઈએ કે ભારતમાં પ્રેસ સ્વતંત્રતા 159મા ક્રમે છે. તેમણે કહ્યું કે હું આ ભીડથી ડરવાનો નથી અને હું છુપાઈશ પણ નહીં. રાજકીય નેતાઓને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે જે રાજકીય નેતાઓ મને પાઠ ભણાવવાની ધમકી આપી રહ્યા છે તેમણે સમજવું જોઈએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ફક્ત શક્તિશાળી અને ધનિકોની ખુશામત કરવા માટે નથી. જ્યાં સુધી હું જાણું છું, આપણા નેતાઓ અને આપણા રાજકીય સર્કસ વિશે મજાક કરવી ગેરકાયદેસર નથી.
આગામી શોના સ્થળને લઈને શું કહ્યું
કામરાએ કહ્યું કે હું પોલીસ અને કોર્ટને સહકાર આપીશ, પરંતુ શું મજાકના ગુસ્સામાં વસ્તુઓ તોડી પાડવાને યોગ્ય ઠરવનારાઓ સામે કાયદો ન્યાયી અને સમાન રીતે લાગુ કરવામાં આવશે ? હેબિટેટ સ્ટુડિયો પરના હુમલાની નિંદા કરતા કહ્યું કે મનોરંજન સ્થળ ફક્ત એક પ્લેટફોર્મ છે. હેબિટેટ (અથવા અન્ય કોઈ સ્થળ) મારી કોમેડી માટે જવાબદાર નથી. કામરાએ કોમેડી માટે આગામી સ્થાન વિશે મજાકમાં કહ્યું કે કદાચ મારા આગામી શો માટે હું એલ્ફિન્સ્ટન બ્રિજ અથવા મુંબઈમાં કોઈ અન્ય સ્થાન પસંદ કરીશ જેને ઝડપથી તોડી પાડવાની જરૂર છે.
કુણાલ કામરાએ એવા લોકો પર પણ કટાક્ષ કર્યો છે જેઓ તેમનો નંબર લીક કરી રહ્યા છે અને તેમને ધમકી આપી રહ્યા છે. કુણાલ કામરાએ કહ્યું કે મેં જે કહ્યું તે બરાબર એ જ છે જે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બીજા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે કહ્યું હતું.
કેમ થયો વિવાદ
કામરાએ તેમના નવા કોમેડી શો "નયા ભારત" માં એક ગીત દ્વારા શિંદે પર નિશાન સાધ્યું હતું. આ ગીતમાં તેમણે 2022 માં શિવસેનાના વિભાજન અને શિંદેના બળવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેમને દેશદ્રોહી ગણાવ્યા હતા. આ ટિપ્પણીથી શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના કાર્યકરો નારાજ થયા હતા, એટલું ન જ નહિ જ્યાં આ શોનું શૂટિંગ થઈ રહ્યું હતું એ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી.
