CJP Protest: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ દિલ્હીના મેટ્રો સ્ટેશન ખુલવા લાગ્યા, પોલીસની આંદોલનકારીઓને જંતર-મંતર ખાલી કરી ઘરે જવા અપીલ

નીટ પેપરલીક મુદ્દે CJPના વિરોધ પ્રદર્શન અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હી મેટ્રો સ્ટેશનો ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. પોલીસે આંદોલનકારીઓને જંતર-મંતર ખાલી કરી ઘરે પરત ફરવા અપીલ કરી છે, જોકે CJP પોતાની માંગણીઓ પર અડગ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jul 2026 05:42 PM (IST)Updated: Sat, 25 Jul 2026 05:42 PM (IST)
cjp-protest-delhi-metro-stations-began-opening-following-dharmendra-pradhan-resignation

CJP Protest: નીટ પેપરલીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપી દીધુ છે. આમ છતાં કોકરોચ જનતા પાર્ટી પોતાની બાકી બે બચેલી માંગણીઓને લઈને મક્કમ જોવા મળી રહી છે. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી બંધ દિલ્હી મેટ્રો સ્ટેશન ધીમે-ધીમે ખુલવા લાગ્યા છે. આ સાથે જ પોલીસ દ્વારા તમામ આંદોલનકારીઓને પોતાના ઘરે પરત ફરવાની અપીલ કરવામાં આવી છે.

 જો કે દિલ્હી મેટ્રો તરફથી માત્ર રાજીવ ચૌક, સેન્ટ્રલ સેક્રેટ્રિએટ અને મંડી હાઉસ જેવા મેટ્રો સ્ટેશન જ ખોલવાની જાણકારી આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, શનિવારે રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટ્રિએટના એન્ટ્રી ગેટ ખોલી દેવામાં આવ્યા છે. જો કે સવારે બંધ કરવામાં આવેલા અન્ય 15 સ્ટેશનો હજુ પણ બંધ છે.

 

Surat: પાંડેસરામાં દાદર તોડતી વખતે તૂટેલો કાટમાળ માથા પર પડતા શ્રમિકનું મોત, 5 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની


ઉલ્લેખનીય છે કે, જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સતત ચોથા દિવસે મેટ્રો સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે પાછળથી કહેવામાં આવ્યું કે, રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટ્રિએટ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ફરીથી ખોલી દેવામાં આવ્યા છે.



આ અંગે વિગતો આપતા સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ લૉ એન્ડ ઓર્ડર દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમે તમામ આંદોલનકારીઓને હટાવવા પર નજર રાખી રહ્યા છે. લોકો ધીમે-ધીમે પોતાની જાતે જ જવા લાગ્યા છે. અમે લોકોને શાંતિ જાળવવાની અને લૉ એન્ડ ઑર્ડરમાં કોઈ સમસ્યા ના થાય તે માટે અપીલ કરી છે. અમે તેમની મદદ માટે જ અહી છીએ.

દિલ્હી મેટ્રોના 15 જેટલા મેટ્રો સ્ટેશનો હજુ પણ બંધ

બીજી તરફ દિલ્હી મેટ્રોના જણાવ્યા પ્રમાણે, લોક કલ્યાણ માર્ગ, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, ITO, દિલ્હી ગેટ, ઈન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ, શિવાજી સ્ટેડિયમ અને નવી દિલ્હી સહિતના કેટલાક સ્ટેશનો હજુ પણ બંધ છે.

કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને પગલે છેલ્લા કેટલાક દિવસોથી સેન્ટ્રલ દિલ્હીમાં આવેલા જંતર-મંતર નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હતા. જેથી સુરક્ષા કારણોસર કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.

સરકાર તરફથી પણ લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને સેન્ટ્રલ દિલ્હીના વિસ્તારોમાં જવાથી બચવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ ડિલિવરી અને ઑનલાઈન કેબ સર્વિસ પ્રોઈડરને પણ કહેવામાં આવ્યું હતું કે, સેન્ટ્રલ દિલ્હીના વિસ્તારોમાં પોતાની સેવાઓને રોકવામાં આવે.

 

 

CJP પોતાનું આંદોલન સમેટવાનું એલાન કરી શકે છે

ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે જણાવ્યું કે, તેઓ વિદ્યાર્થીઓના હિતમાં આ પગલું ભરી રહ્યા છે, જેથી તેઓ વિરોધ પ્રદર્શન છોડીને પોતાના ઘરે જાય અને અભ્યાસ પર ધ્યાન આપી શકે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પ્રોફાઈલ પરથી પણ શિક્ષણ મંત્રી હટાવી દીધુ છે.

બીજી તરફ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. આ મિટિંગ બાદ CJP પોતાનું આંદોલન સમેટવાની જાહેરાત કરી શકે છે.