Surat: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં કોમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી દરમિયાન અચાનક ભારે કાટમાળ ધસી પડતાં સેન્ટિંગનું કામ કરતા યુવકનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ડીંડોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રંજનભાઈ પાંડેસરા સ્થિત અંબિકાનગરમાં સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા. જ્યાં કોમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે ઉપરથી ઈંચો અને કોંક્રીટનો વજનદાર કાટમાળ તૂટી પડ્યો હતો. જે નીચે કામ કરી રહેલા રંજનભાઈના માથાના ભાગે પડતા તેઓ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
આ ઘટના બાદ તાત્કાલિક રંજનભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બાબતની જાણ થતાં પાડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક રંજનભાઈને પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરી અને 3 દીકરા છે. એવામાં તેમના અકાળે અવસાનથી પાંચ નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે.
બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ સમગ્ર ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. જેની સામે કડક કાર્યવાહી કરવા સાથે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
