CJP Protest: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ સાથી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર પાસે તેમને જેલમાં રાખવા માટે કોઈ કાનૂની આધાર નથી, તેથી જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. જેથી અદાલતી કામગીરીમાં વિલંબ થાય અને તેમને મુક્તિ ન મળી શકે.
'જેલમાં રાખવા માટે કોઈ કાનૂની આધાર નથી'
અભિજીત દીપકેએ X પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, તેમને જેલમાં રાખવા માટે સરકાર કે પોલીસ પાસે કોઈ કાનૂની આધાર નથી, તેથી તેઓ તેમને રોકવા માટે આ પ્રકારની ચાલ રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, CJP દ્વારા પ્રસ્તાવિત જંતર-મંતર પ્રદર્શન દરમિયાન સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.
અદાલતી કામગીરીમાં વિલંબનો ગંભીર આરોપ
સૌરવ દાસ અને આશુતોષ રાંકાના કેસની સુનાવણી દરમિયાન CJP લીગલ હેડ રત્ના સિંહે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) પર મનસ્વી ટિપ્પણી કરવા અને જાણી જોઈને મોડું કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે બધા સવારથી અહીં હાજર છીએ અને બપોરે 12 વાગ્યે સુનાવણી થવાની હતી, તમામ જરૂરી શરતો પણ પૂરી કરી લેવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, સાંજે પાંચ વાગ્યા સુધી સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ રૂમમાં આવ્યા નહોતા. PTI રિપોર્ટ મુજબ, કોર્ટ રૂમમાં આવ્યા પછી પણ તેમણે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે આ દરમિયાન કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને એક ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેના કારણે મુક્તિ અંગે નિર્ણય લેવાને બદલે તે સંદેશ પર ચર્ચા થવા લાગી હતી.
અભિજીત દીપકેએ રવિવારના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, CJP પોતાની આગામી રણનીતિ સૌરવ દાસ અને આશુતોષ રાંકા બહાર આવ્યા પછી યોજાનારી બેઠકમાં નક્કી કરશે. જોકે, હાલમાં થઈ રહેલા વિલંબ પર તેમણે ભારે આક્રોશ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
