CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કેમ તિહાર જેલ મોકલાયા? દિલ્હી પોલીસે જણાવ્યું કારણ

સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જંતર-મંતર પર બિનઅધિકૃત વિરોધ પ્રદર્શન કરવાના આરોપસર ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 14 Oct 2026 02:01 PM (IST)Updated: Wed, 14 Oct 2026 02:01 PM (IST)
cjp-leaders-saurabh-das-ashutosh-ranka-send-to-tihar-jail-delhi-police-case
આશુતોષ રાંકા-સૌરવ દાસ

CJP Leaders Arrested: દિલ્હી પોલીસે જંતર-મંતર પર ગેરકાયદેસર પ્રવેશ કરવા અને પોલીસકર્મીઓ સાથે ધક્કા-મુક્કી કરવા બદલ CJP (કોકરોચ જનતા પાર્ટી) નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સહિત કુલ 14 લોકો સામે FIR નોંધી છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) અદાલતે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસ માટે તિહાર જેલ મોકલ્યા છે, જ્યારે અજિંક્ય શિંદેને જામીન આપવામાં આવ્યા છે.

બિનઅધિકૃત પ્રદર્શન અને તિહાર જેલની કસ્ટડી

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કોકરોચ જનતા પાર્ટી (CJP) નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને જંતર-મંતર પર બિનઅધિકૃત પ્રદર્શન કરવા તથા જાહેર શાંતિનો ભંગ કરવાના આરોપમાં પાંચ દિવસની ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલ મોકલી આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી કે, વારંવાર જાહેર શાંતિ ભંગ કરવા અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઉશ્કેરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અજિંક્ય શિંદેને જામીન આપી દેવામાં આવ્યા છે.

અટકાયતથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ

આ અગાઉ, 10 ઓક્ટોબરે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની અંદરથી સૌરવ દાસ અને આશુતોષ રાંકાને અભિજીત દીપકે સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બાદમાં 11 ઓક્ટોબર, રવિવારે તેમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને એક વર્ષ સુધી શાંતિ જાળવી રાખવાની શરતે મુક્ત કર્યા હતા. જોકે, મંગળવારે સવારે જંતર-મંતર ખાતે પ્રદર્શન કર્યા બાદ તેમની ફરીથી અટકાયત કરવામાં આવી હતી. બુધવારે સવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી આપવામાં આવ્યા છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ અને અંતે FIR

દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ નોટ મુજબ, મંગળવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સભ્યો દ્વારા જંતર-મંતર પર કરવામાં આવેલા પ્રદર્શન સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે સહિત કુલ 14 લોકો સામે FIR નોંધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર સૌરવ દાસ, આશુતોષ રાંકા, અજિંક્ય શિંદે અને 11 અન્ય સભ્યો એક ખાનગી પરિસરમાંથી અનઅધિકૃત રીતે ઘૂસીને જંતર-મંતર પહોંચ્યા, જે એક પ્રતિબંધિત પ્રદર્શન સ્થળ છે. જ્યારે તૈનાત પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રદર્શનકારીઓ ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરવા લાગ્યા અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો.

પોલીસ મથકોમાં ગુનો અને કોર્ટન કાર્યવાહી

પોલીસે આ ઘટના અંગે કડક વલણ અપનાવીને કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 223(A), 332, 61(2) હેઠળ તથા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કલમ 221, 115(2), 132, 121(1), 3(5) હેઠળ ગુનો નોંધ્યો છે. શરૂઆતમાં તમામ 14 લોકોને કસ્ટડીમાં લઈને નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્રણેય મુખ્ય આરોપીને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) અદાલતમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં BNSS કલમ 126/170 હેઠળ કાનુની કાર્યવાહી કરવામાં આવી હતી. અદાલતે વારંવાર કાયદાનો ભંગ કરવા અને ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાની આશંકાને ધ્યાનમાં રાખીને સૌરવ દાસ અને આશુતોષ રાંકાને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલવાનો આદેશ કર્યો હતો.