ચંદીગઢ.
ચંદીગઢ યુનિવર્સિટીમાં વીડિયો કેસની તપાસ માટે સીએમ ભગવંત માનના નિર્દેશ પર પંજાબ પોલીસે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. SITનું નેતૃત્વ IPS ગુરપ્રીત કૌર ડીયો કરશે. ટીમમાં ત્રણેય સભ્યો મહિલા છે. ડીજીપી ગૌરવ યાદવે આ માહિતી આપી હતી.
ગૌરવ યાદવે કહ્યું કે, આ કેસમાં બંને યુવકોની હિમાચલથી ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકોની ધરપકડ માટે તેમણે હિમાચલ પોલીસનો આભાર માન્યો છે. બંને યુવકોના ફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. તેમની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. યાદવે લોકોને આ મામલે શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.
નોંધનીય છે કે, આ મામલામાં આરોપી યુવતીની ધરપકડ થઈ ચૂકી છે. ત્રણેય આરોપીઓ હિમાચલના રહેવાસી છે. ગઈકાલે રાત્રે પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. તેમનો આરોપ છે કે, ચંદીગઢ યુનિવર્સિટી પ્રશાસન મામલાને દબાવી રહ્યું છે અને સત્ય છુપાવી રહ્યું છે.
બીજી તરફ આ ઘટના બાદ ચંદીગઢ યુનિવર્સિટી પ્રશાસને 24 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક કાર્ય અટકાવી દીધું છે. આ પછી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ ધીમે ધીમે પોતાના ઘરે જઈ રહી છે. કેટલીક વિદ્યાર્થિનીઓના માતા-પિતા પણ આજે ચંદીગઢ યુનિવર્સિટી પહોંચ્યા હતા. વાલીઓએ કહ્યું કે હવે તેઓ તેમની દીકરીઓને હોસ્ટેલમાં રાખવા માગતા નથી.
હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ
ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં તૈનાત બંને વોર્ડનને યુનિવર્સિટીના સંચાલકોએ સસ્પેન્ડ કરી દીધા છે. હોસ્ટેલ એલસી 3માં તૈનાત સુનીતા અને જસવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપ છે કે યુવતીઓએ વોર્ડન સુનીતાને મામલાની તપાસ કરવાનું કહ્યું હતું, જેના પર સુનીતાએ કોઈ કાર્યવાહી કરી ન હતી. તે જ સમયે, વોર્ડન જસવિંદર કૌર પર આરોપ છે કે તેણે કાર્યવાહીમાં સમય લીધો અને તેના વિશે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી ન હતી.