હાશ! કેન્દ્રીય કર્મચારીઓને 25 સપ્ટેમ્બરે મળશે એડવાન્સ પગાર, દેશવ્યાપી બેંક હડતાળને પગલે સરકારનો મોટો નિર્ણય

UFBU દ્વારા 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની દેશવ્યાપી બેંક હડતાલની જાહેરાત કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 24 Sep 2026 09:43 AM (IST)Updated: Thu, 24 Sep 2026 09:43 AM (IST)
central-govt-employees-salary-and-pension-payment-25-september-2026-amid-bank-strike
AI Generated Image

Nationwide Bank Strike: UFBU દ્વારા 28 સપ્ટેમ્બરથી 3 દિવસની દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સપ્ટેમ્બર માસનો પગાર અને પેન્શન 25 સપ્ટેમ્બરના રોજ એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, બેંકિંગ સેવાઓ ખોરવાય નહીં તે માટે 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખુલ્લી રહેશે.

25 સપ્ટેમ્બરે જ એડવાન્સમાં મળશે પગાર

નાણા મંત્રાલય હેઠળના કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા જારી કરવામાં આવેલા ઓફીસ મેમોરેન્ડમ અનુસાર, 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન પ્રસ્તાવિત ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ અને તે પહેલા 26 સપ્ટેમ્બર, શનિવાર અને 27 સપ્ટેમ્બર રવિવારના રોજ રજા હોવાના પગલે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આદેશ મુજબ, સંરક્ષણ, ટપાલ અને દૂરસંચાર સહિતના તમામ કેન્દ્રીય કાર્યાલય દ્વારા સપ્ટેમ્બર 2026 નો પગાર અને પેન્શન 25 સપ્ટેમ્બરે જ ઉપાડીને વહેંચી શકાશે. આગામી 26 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરની વીકેન્ડ રજાઓ બાદ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન બેન્કિંગ સેવાઓ ખોરવાય નહીં તે માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

27 સપ્ટેમ્બર, રવિવારે ખુલ્લી રહેશે બેંકો

બેંકિંગ સેવાઓ વિના અડચણે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો 27 સપ્ટેમ્બરના રોજ રવિવાર હોવા છતાં ખુલ્લી રહેશે અને સામાન્ય રીતે કામ કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 27 સપ્ટેમ્બરે બેંક શાખાઓ, કાર્યાલયો, એટીએમ સંલગ્ન શાખાઓ અને કરન્સી ચેસ્ટ ખુલ્લા રાખવાની મંજૂરી આપી દીધી છે.

બેંક હડતાલનું કારણ અને મુખ્ય માંગણીઓ

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU), જે દેશના લગભગ 90 ટકા બેંકિંગ કાર્યબળનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે, તેણે અગાઉ 11 સપ્ટેમ્બરે યોજાયેલી એક દિવસની હડતાળ બાદ આ ત્રણ દિવસીય હડતાલ બોલાવી છે. બેંક યુનિયનોની મુખ્ય માગણીમાં 5 દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવું અને પર્ફોર્મન્સ લિંક્ડ ઈન્સિવેન્ટિવ સ્કીમ પાછી ખેંચવી શામેલ છે.

મંગળવારના રોજ નાયબ મુખ્ય શ્રમ આયુક્ત સમક્ષ યોજાયેલી સુલેહ બેઠકમાં કોઈ પરિણામ ન આવતા હડતાલનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો હતો. આ અગાઉ સોમવારના રોજ નાણા મંત્રાલયે બેંક કર્મચારીઓને હડતાળથી દૂર રહેવા અને વાટાઘાટો દ્વારા પ્રશ્નો ઉકેલવા અપીલ કરી હતી.

(With ANI Input)