Twisha Sharma Death Case: મોડલ ટ્વિશા શર્માના રહસ્યમય મોતની તપાસ હવે CBI કરશે, પતિ અને પૂર્વ જજ સાસુ સામે FIR દાખલ

ભોપાલની મોડલ ટ્વિશા શર્માના રહસ્યમય મોતની તપાસ હવે CBI કરશે. પૂર્વ જજ સાસુ અને પતિ સામે FIR દાખલ. સુપ્રીમ કોર્ટે મીડિયા ટ્રાયલ અને ન્યાયતંત્ર પરના આરોપો અંગે વ્યક્ત કરી નારાજગી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 25 May 2026 11:16 PM (IST)Updated: Tue, 26 May 2026 01:41 AM (IST)
cbi-will-now-investigate-the-mysterious-death-of-model-twisha-sharma-fir-filed-against-husband-and-former-judge-mother-in-law

Twisha Sharma Death Case: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ચર્ચિત અને હાઈપ્રોફાઈલ પૂર્વ મોડલ ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે હવે દેશની સૌથી મોટી તપાસ એન્જિન્સી CBI એક્શનમાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી અને નિર્દેશો બાદ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ આ કેસ પોતાની હાથમાં લઈ લીધો છે. એજન્સીએ ટ્વિશાના પતિ સમર્થ સિંહ અને તેની સાસુ (જેઓ પૂર્વ જિલ્લા જજ રહી ચૂક્યા છે) ગિરિબાલા સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને દહેજ પ્રતિષેધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, મીડિયાને આપી કડક સલાહ

સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાતે સંજ્ઞાન લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ન્યાયતંત્ર પર લાગી રહેલા આરોપો અંગે ગંભીર ચિંતા અને નિરાશા વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે- એ સાંભળીને અત્યંત દુઃખ થયું કે ન્યાયતંત્ર આરોપીઓને બચાવી રહ્યું છે.

ટોચની અદાલતે સામાન્ય જનતાને સોશિયલ મીડિયા પર અટકળોથી બચવા અને તપાસ એન્જિન્સી પર ભરોસો રાખવા અપીલ કરી છે. સાથે જ કોર્ટે મીડિયા ટ્રાયલ સામે લાલ આંખ કરતા કહ્યું કે, સાક્ષીઓ અને સંભવિત આરોપીઓના નિવેદનો લાઈવ રેકોર્ડ કરીને કોઈ ખાસ નરેટિવ (વાર્તા) ઘડવાનું બંધ કરવામાં આવે. પીડિત પરિવારના દર્દને માત્ર 'સાઉન્ડ બાઈટ્સ' પૂરતું સીમિત ન રાખવું જોઈએ.

લગ્નના માત્ર 6 મહિનામાં જ જીવનલીલા સંકેલાઈ

CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની વિગતો મુજબ, ટ્વિશા શર્માના લગ્ન 9 ડિસેમ્બર, 2025ના રોજ સમર્થ સિંહ સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસરિયાઓ દ્વારા તેને વધારાના દહેજ માટે માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવતી હોવાનો આરોપ છે. લગ્નના માત્ર 6 મહિનાની અંદર જ એટલે કે 12 મે, 2026ના રોજ રાત્રે 10:20 વાગ્યે ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં આવેલા સાસરીના ઘરમાંથી ટ્વિશાની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

જસ્ટિસ બાગચીએ ઘટનાના ટૂંકા ગાળા પર ટિપ્પણી કરતા કહ્યું કે- સમય પણ જોવો પડશે, આ બધું માત્ર છ મહિનામાં જ થઈ ગયું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને AIIMSની એન્ટ્રી

શરૂઆતની તપાસમાં મૃત્યુનું કારણ ફાંસો ખાવાને કારણે શ્વાસ રુંધાવાથી થયું હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 'એન્ટીમોર્ટમ હેંગિંગ' (Antemortem Hanging)ની પુષ્ટિ થઈ છે, જે દર્શાવે છે કે જ્યારે ફાંસો લગાવવામાં આવ્યો ત્યારે ટ્વિશા જીવતી હતી. જો કે, તેના શરીર પર અન્ય ઈજાના નિશાન પણ મળી આવ્યા છે, જે કોઈ ભારે વસ્તુના પ્રહાર અથવા શારીરિક હુમલાને કારણે થયા હોવાની આશંકા છે.

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી AIIMSના ડોક્ટરોની એક વિશેષ ટીમે ટ્વિશાના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કર્યું છે. મધ્ય પ્રદેશ સરકારે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કલમ 6 હેઠળ સંમતિ આપ્યા બાદ કેન્દ્ર સરકારના DoPT વિભાગે CBI તપાસ માટેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

"મૃત દીકરી કરતા છૂટાછેડા લીધેલી દીકરી સારી"

સુનાવણી દરમિયાન મધ્ય પ્રદેશ સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એક અત્યંત ભાવુક અને વાસ્તવિક વાત કહી હતી. તેમણે જણાવ્યું કે- એક વાત સ્પષ્ટ છે કે એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પછી તે આત્મહત્યા હોય કે અન્ય કંઈ. માતા-પિતા માટે એક મૃત દીકરી કરતાં છૂટાછેડા લીધેલી દીકરી હોવી ઘણી સારી છે. તેમણે ઉમેર્યું કે ટ્વિશાના મેસેજ પરથી સાબિત થાય છે કે તે સાસરીમાં નરક જેવી જિંદગી જીવી રહી હતી.

બીજી તરફ, આરોપીઓના વકીલ સિદ્ધાર્થ દવેએ મીડિયામાં પોલીસ નિવેદનો લીક થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે સાસરિયા પક્ષે દાવો કર્યો છે કે ટ્વિશા નશાની આદત ધરાવતી હતી. હાલમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગુણદોષના આધારે કોઈ અભિપ્રાય નથી આપી રહ્યા અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ હવે સીબીઆઈ કરશે.