PNB Scam: દેશના ચકચારી પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડ કેસમાં તપાસ એજન્સી CBI દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના નજીકના સહયોગી ગણાતા સંદીપ મિસ્ત્રીને વિદેશમાંથી પકડીને ભારત લાવવામાં આવ્યો છે. UAE સાથેના કાયદાકીય અને રાજદ્વારી સહયોગના આધારે આ પ્રત્યાર્પણ પ્રક્રિયા પાર પાડવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
પીએનબી બેંકમાં હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી અને કૌભાંડ આચર્યા બાદ મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને વિદેશ ભાગી ગયા હતા. આ કૌભાંડની તપાસ CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ કરી રહી છે. તપાસ દરમિયાન એ વાત સામે આવી હતી કે સંદીપ મિસ્ત્રી આ સમગ્ર ગુનાહિત કાવતરામાં અને છેતરપિંડીના નેટવર્કમાં સક્રિયપણે સામેલ હતો.
દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યો આરોપી
ઘટનાની વિગતો મુજબ, સંદીપ મિસ્ત્રી યુએઈ (દુબઈ)માં છુપાયેલો હતો. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા તેના પ્રત્યારપણ માટેના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા હતા. યુએઈ પ્રશાસન દ્વારા પ્રત્યારપણની મંજૂરી મળ્યા બાદ CBIની ટીમ તેને ખાસ વિમાન દ્વારા મુંબઈ લઈને આવી હતી. મુંબઈ પહોંચતા જ CBI એ તેને ઔપચારિક રીતે કસ્ટડીમાં લઈને ધરપકડ કરી લીધી છે.
આગળની કાનૂની કાર્યવાહી
સીબીઆઈ હવે સંદીપ મિસ્ત્રીની સઘન પૂછપરછ કરશે. આ કૌભાંડમાં નાણાં ક્યાં-ક્યાં રોકવામાં આવ્યા હતા, કયા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા અને અન્ય કયા વ્યક્તિઓ આ નેટવર્કમાં સામેલ છે તે અંગે મોટા ખુલાસા થવાની સંભાવના છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી કૌભાંડના અન્ય વણઉકેલાયેલા તારને જોડી શકાય.
