Gajera Brothers Case: ચકચારી PNB કૌભાંડના સૂત્રધાર મેહુલ ચોક્સી સાથે નાણાકીય સાંઠગાંઠ ધરાવનાર ગજેરા બંધુઓની મુશ્કેલી વધી શકે છે. પ્રવીણ દેવકીનંદન અગ્રવાલની ફરિયાદના આધારે ગજેરા બંધુઓ સામે કડક કલમો હેઠળ તાત્કાલિક અસરથી FIR નોંધવા ગુજરાત હાઈકોર્ટે હુકમ પસાર કરતા સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે.
આ કેસ અંગે મળતી વિગત અનુસાર, પ્રવીણ દેવકીનંદન દ્વારા ગજેરા બંધુઓ વિરુદ્ધ 43% શેર હડપવાનું કાવતરું અને જાનથી મારવાની ધમકી અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ હુકમ પસાર કરતા સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે, વસંત ગજેરા, અશોક ગજેરા અને રાકેશ ગજેરા વિરુદ્ધ ફરિયાદીમાં દર્શાવેલ તમામ કડક કલમો હેઠળ તાત્કાલિક અસરથી FIR નોંધવામાં આવે.
પ્રવીણ અગ્રવાલની ફરિયાદ અનુસાર, તેઓ શાંતિ રેસીડેન્સીમાં 43% હિસ્સો ધરાવે છે. ગજેરા બંધુઓએ આ કંપનીની મિલકત બજાર ભાવે વેચી માત્ર જંત્રી મુજબની નોમિનલ રકમ કંપનીના ચોપડે બતાવી કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. આ રકમ હવાલા મારફતે હોંગકોંગ મોકલ્યા બાદ રાકેશ ગજેરાને ફોરેન ઇન્વેસ્ટર તરીકે દર્શાવી મની લોન્ડરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદી પ્રવીણ અગ્રવાલે જણાવ્યું કે, જ્યારે તેમણે આ કૌભાંડનો પર્દાફાશ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. વધુમાં, ગજેરા બંધુઓએ તેમને ખોટા કેસમાં ફસાવી આજીવન કારાવાસ થાય તેવો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. આરોપી રાજકીય વગ અને પૈસાના જોરે કેસ પલટવામાં સક્ષમ હોવાનું પણ જણાવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ફરિયાદીની રજૂઆતોને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશનરને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ફરિયાદી જે કલમ જણાવે તે મુજબ તુરંત ગુનો નોંધવામાં આવે. કોર્ટે જસ્ટિસ પારડીવાલાના 2017 (0) AIJEL-HC 237811 ના ચુકાદાને ટાંકીને પોલીસની કાર્યપ્રણાલી સામે ગંભીર નોંધ લીધી છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ગજેરા બંધુઓ વિરુદ્ધ IPC કલમ 409 વિશ્વાસઘાત (CBT), બનાવટી દસ્તાવેજ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટે 467, 468, 469, 471, 474, ખંડણી અને ભય બતાવી મિલકત પડાવવા માટે 386, 389, જાનથી મારી નાખવાની ધમકી માટે 506(2) તથા ગુનાહિત કાવતરું અને સમાન ઈરાદા માટે 120(B), 34, 114 કલમો હેઠળ ગુનો નોંધાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગ દ્વારા ગજેરા બંધુઓની તમામ કન્સ્ટ્રક્શન સાઈટ, ડાયમંડ યુનિટ, ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ 6 દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓ પાસેથી 1,900 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. વધુમાં, 30થી વધુ બેંક લોકર પણ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
