Bihar Politics: તાજેતરમાં જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસના તેજસ્વી યાદવ સાથે સમગ્ર બિહારમાં મતદાર અધિકાર યાત્રા દ્વારા પાર્ટીને મજબૂત કરવા મથી રહ્યા છે. એવામાં એક સમયે કોંગ્રેસના સાથી રહી ચૂકેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીના કારણે બિહારની જનતા કોંગ્રેસને જાકારો આપશે તેવો દાવો કર્યો છે.
કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું કે, રાહુલ ગાંધી કાયમ જૉકર જેવી વાતો કરતા ફરે છે. આજ કારણોસર રાહુલ ગાંધીને કોઈ ગંભીરતાથી નથી લેતુ. આમ છતાં તેઓ દરરોજ કોઈને કોઈ એવું નિવેદન કરી બેસે છે, જેના કારણે ભારતનું માથું શરમથી ઝૂકી જાય છે. રાહુલ ગાંધી દેશના ભાગલા પાડવાની અને અપમાનિત કરવાની વાતો જ કરે છે.
આચાર્યએ સરકારને અપીલ કરી છે કે, રાહુલ ગાંધીના નિવેદનોને ગંભીરતાથી લેવામાં આવે. બંધારણીય સંસ્થાઓને બદનામ કરવા મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
વધુમાં તેમણે જણાવ્યું કે, બિહાર ચૂંટણીમાં જનતા રાહુલ ગાંધીને જાકારો આપશે. રાહુલ ગાંધી ક્યારેય વૉટ ચોર, ગદ્દી છોડ, રાફેલ ચોર, ચૌકીદાર ચોર જેવા નારા આપે છે, પરંતુ તેમના તમામ નારા બિનઅસરકાર નીવવડ્યા છે.
તેમણે RSSના મોહન ભાગવતને વિશ્વના મહાપુરુષ ગણાવતા જણાવ્યું કે, તેમનું જીવન રાષ્ટ્રને સમર્પિત છે. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે અને પહેલાથી જ સનાતન રાષ્ટ્ર છે.
સનાનતન અને ભારત એકબીજાના પૂરક છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પર દાખલ કેસને સરકારનો નિર્ણય ગણાવ્યો છે. બિહારને લઈને આચાર્યએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી દેશના તમામ રાજ્યોના છે અને તેઓ કોઈની સાથે ભેદભાવ નથી કરતા. ખોટું કામ કરો, તો સજા મળવી જ જોઈએ. કોઈની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવશો, તો બુલડોઝર ફરી વળશે.
