Rajkot: રાજકોટ જિલ્લાના કોટડાસાંગણી તાલુકાના પીપલાણા ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પુત્રની લ્હાયમાં બે માસની પુત્રીની ઠંડા કલેજે હત્યા કરી નાંખી છે. આ મામલે પતિએ જ પત્ની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પીપલાણા ગામમાં રહેતા સાજીદ કાયાણી (26)ના લગ્ન આજથી 6 વર્ષ અગાઉ રાજકોટમાં રહેતી મુસ્કાન નામની યુવતી સાથે થયા હતા. આ લગ્ન જીવન થકી સંતાનમાં તેમને નુરેના (6 વર્ષ) અને આયેશા (2 માસ) નામની બે બાળકીઓ હતી.
ગત માર્ચ મહિનામાં જ મુસ્કાને સિજેરિયન દ્વારા આયેશાને જન્મ આપ્યો હતો. જે બાદ તે બે મહિના રાજકોટ ખાતે પોતાના પિયર રહેવા ગઈ હતી. 23 મેના રોજ મુસ્કાન અને બે દીકરીઓ સાથે ઘરે એકલી હતી. જ્યારે તેનો પતિ સાજીદ કામઅર્થે ગયો હતો. જ્યાં સાંજે 5 વાગ્યે મુસ્કાને પતિ સાજીદને ફોન કરીને આયેશા ઘોડિયામાં નથી કહ્યું હતુ.
આથી સાજીદ દોડતો ઘરે આવ્યો હતો અને આયેશાની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રસોડામાં રહેલા ભો ટાંકામાંથી આયેશા મળી આવતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.
દીકરીના મોત પાછળ પત્નીનો હાથ હોવાની શંકા જતાં સાજીદે આયેશાને પિયર તગેડી મૂકી હતી. જ્યાં ભાઈ-ભાભીએ પૂછતાં મુસ્કાને કબૂલ કર્યું હતું કે, પોતાને પુત્ર જોઈતો હતો, પરંતુ પુત્રીનો જન્મ થતાં તે હતાશ થઈ ગઈ હતી. આથી તેણે આયેશાને રસોડાના ભો ટાંકામાં ડુબાડી મારી નાંખી હતી.
આ મામલે મૃતક બાળકીના પિતા સાજીદની ફરિયાદના આધારે કોટડાસાંગણી પોલીસે મુસ્કાન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
