ATM Cash Van Heist: બેંગ્લુરુમાં ધોળે દહાડે રૂ. 7.11 કરોડની દિલધડક લૂંટ,RBI અધિકારી બનીને કેશ વાન આંતરી, રોકડ ઉઠાવી રફુચક્કર

ઈનોવા કારમાં આવેલા ગઠિયાઓએ કેશ વાનના ડ્રાઈવર, ગન મેન અને કેશ લોડિંગ સ્ટાફને પોતાની RBI ઑફિસર તરીકે ઓળખ આપીને ધમકાવી વાનમાંથી બહાર કાઢ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 20 Nov 2025 03:35 PM (IST)Updated: Thu, 20 Nov 2025 03:35 PM (IST)
bengaluru-rs-7-11-crore-atm-cash-van-heist
HIGHLIGHTS
  • સાઉથ એન્ડ સર્કલ નજીક ATMમાં કેશ લોડ કરવા કેશ વાન જતી હતી
  • કેશ વાન આગળ લઈ જઈ તેમાંથી રોકડ ઉઠાવી ઈનોવા મારી મૂકી

ATM Cash Van Heist: કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં બુધવારના રોજ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના સાઉથ એન્ડ સર્કલ નજીક ATMમાં રોકડા નાખવા જઈ રહેલ એક કેશવાનને અટકાવીને ગઠિયાઓએ રૂ. 7.11 કરોડની લૂંટને અંજામ આપ્યો છે. આ ગેંગ પોતાને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ના કર્મચારી બતાવીને ધમકાવ્યા હતા અને મિનિટોમાં જ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બેંકની કેશ વાન સાઉથ એન્ડ સર્કલ નજીક પહોંચી, ત્યારે જ ઈનોવા કારમાં 7 થી 8 ગઠિયાઓ ત્યાં આવી પહોંચ્યા હતા. જેમણે કેશ વાનમાં ઉપસ્થિત ડ્રાઈવર, બે ગનમેન અને કેશ લોડિંગ સ્ટાફને ધમકી આપીને બહાર નીકળ્યા હતા. જે બાદ ગઠિયાઓ ચાલાકીપૂર્વક કેશ વાનને ડેરી સર્કલ તરફ હંકારી મૂકી અને ફ્લાય ઑવર પાસે અટકાવી દીધી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, લૂંટારાઓએ ફ્લાય ઑવર પર કેશ વાનમાંથી રોકડ નીકાળીને પોતાની ઈનોવા કારમાં લોડ કરીને પછી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના દરમિયાન ગેંગે પોતાની ઈનોવા કારમાં નકલી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે તેમની ઓળખ મુશ્કેલ થઈ ગઈ છે.

હાલ તો પોલીસ કેશ વાનના કર્મચારીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી દીધી છે. ડ્રાઈવર તેમજ બે ગન મેન સહિત તમામ કર્મચારીઓને ગઠિયાઓ થોડા અંતર સુધી પોતાની સાથે લઈ ગયા હતા. જે બાદ રોડની સાઈડમાં ઉતારીને ભાગી છૂટ્યા હતા. પોલીસ શહેરના તમામ રસ્તાઓ પર વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. આ સાથે પોલીસ ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસીને ઈનોવા કારને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.