IPL 2027 Mini Auction: 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે હરાજી, બેંગલુરુ વનડે મેચના દિવસે જ ખેલાડીઓની બોલી બોલાશે

IPL 2027 Mini Auction: ત્રણ સીઝન બાદ ભારતમાં ફરી IPLની હરાજી ગોવા ખાતે યોજાવા જઈ રહી છે. 16 ડિસેમ્બરે ભારત-શ્રીલંકા વનડે મેચ વચ્ચે આ હરાજી યોજાશે. 15 નવેમ્બર સુધીમાં તમામ ટીમોએ રિટન્શન લિસ્ટ આપવું પડશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 26 Oct 2026 08:15 PM (IST)Updated: Mon, 26 Oct 2026 08:15 PM (IST)
the-auction-will-be-held-in-goa-on-december-16-the-bidding-for-players-will-take-place-on-the-same-day-as-the-odi-match-in-bengaluru

IPL 2027 Mini Auction Date: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન એટલે કે IPL 2027 માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે મિની હરાજીની તારીખ અને સ્થળ આખરે સામે આવી ગયા છે. મળતી માહિતી મુજબ, IPL 2027 માટેનું મિની ઓક્શન આગામી 16 ડિસેમ્બરે ગોવા ખાતે યોજાવા જઈ રહ્યું છે.

તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ 15 નવેમ્બર સુધીમાં પોતાના રીટેન અને રિલીઝ ખેલાડીઓની આખરી યાદી સોંપવી પડશે. વર્ષ 2023માં કેરળના કોચીમાં યોજાયેલી હરાજી બાદ, આશરે ત્રણ સીઝન પછી આ ભવ્ય ઇવેન્ટ ભારતીય જમીન પર પરત ફરી રહી છે.

ક્રિકેટ ફેન્સ માટે 'સુપર ડે'

16 ડિસેમ્બરનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે અત્યંત રોમાંચક અને શ્વાસ અધ્ધર કરી દેનારો સાબિત થશે. એક તરફ ગોવામાં હરાજીના ટેબલ પર અબજો રૂપિયાનો સટ્ટો અને બોલીઓ લાગી રહી હશે, તો બીજી તરફ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની બીજી વનડે મેચ રમાઈ રહી હશે.

આ સ્થિતિમાં ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓની નજર એકસાથે બે અલગ-અલગ જગ્યાએ ટકેલી રહેશે. એક બાજુ મેદાન પર ચોગ્ગા-છગ્ગાનું તોફાન હશે અને બીજી બાજુ કયો ખેલાડી કઈ ટીમમાં જશે તેનો નિર્ણય થતો હશે.

ટ્રેડ વિન્ડોમાં મોટો ધમાકો

IPL 2026ની સીઝન પૂરો થયાના એક જ મહિનામાં ટ્રેડ વિન્ડો (Trade Window) ખુલ્લી મૂકવામાં આવી હતી. આ વિન્ડો ઓક્શનના એક અઠવાડિયા પહેલા સુધી ચાલુ રહે છે અને ઓક્શન પૂરું થયા બાદ નવી સીઝન શરૂ થાય તેના એક મહિના પહેલાં ફરીથી ખુલે છે.

આ વખતે ટ્રેડ વિન્ડોમાં ફ્રેન્ચાઇઝીઓએ કેટલાક ચોંકાવનારા નિર્ણય લીધા છે-

દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે ટ્રેડ: ફાસ્ટ બોલર ટી નટરાજન સનરાઇઝર્સ હૈદરાબાદમાં પરત ફર્યો છે, જ્યારે ઓલરાઉન્ડર ઝીશાન અંસારી હવે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે.

દિલ્હી અને લખનઉ વચ્ચે ટ્રેડ: સૌથી મોટી વાપસી ઋષભ પંતની થઈ છે, જે ફરી એકવાર દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોડાશે. તેની સામે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ હવે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો બન્યો છે.

BCCIની સત્તાવાર જાહેરાતની રાહ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા હજુ સુધી ઓક્શન અંગે કોઈ સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ESPNcricinfoના અહેવાલ અનુસાર 16 ડિસેમ્બરે ગોવામાં હરાજી યોજવી લગભગ નક્કી જ છે.

બીજી તરફ, IPL 2027ના શેડ્યૂલની વાત કરીએ તો, બોર્ડના અગાઉના પ્લાન મુજબ ટુર્નામેન્ટ માર્ચના અંતિમ સપ્તાહથી મે મહિનાના અંત સુધી રમાય તેવી પૂરી શક્યતા છે.