Ahmedabad: શહેરના મણિનગર રેલવે સ્ટેશન નજીક એક યુવકે ટ્રેન આગળ પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવકે અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં પોતાના સાહેબ પર માર મારીને ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઈકાલે 18 નવેમ્બરના રોજ સાંજના સમયે મણિનગર રેલવે સ્ટેશન નજીક ખોખરા ક્રોસિંગ પર એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવીને જિંદગી ટૂંકાવી દીધી હતી. આ બાબતની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની તલાસી લેતા મળી આવેલી સ્યુસાઈડ નોટના આધારે તપાસનો દૌર લંબાવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કિરીટ પંચાલ (28) તરીકે થઈ છે. જેણે અંતિમ પગલું ભરતા પહેલા સ્યુસાઈડ નોટમાં પોતાના સાહેબ સહિત બે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો છે.
કિરીટ પંચાલની સ્યુસાઈડ નોટમાં લખાણ પ્રમાણે,
હું કિરીટ પંચાલ મરવા જઈ રહ્યો છું. મારા ઘરે દીકરી હોવા છતાં મારે મરવું પડે તેમ છે. હું મારા સાહેબના ત્રાસથી મરી રહ્યો છું. મારા સાહેબનું નામ રશ્મિતસિંઘ ગુરુદત્ત છે. જ્યારે બીજા એક હાર્દિક પટેલ છે, જે વાઈડ એન્ગલ બિલ્ડિંગના છે. તેઓ પૈસા માટે મને રોજ ટોર્ચર કરે છે. મને ઑફિસમાં જઈને પટ્ટાથી માર પણ માર્યો હતો. હવે આજે મારી પાસે કોઈ રસ્તો નથી. મારી પત્નીને ન્યાય આપવા વિનંતી.
આ મામલે પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારે ખોખરાના PI સાવલિયાએ જણાવ્યું કે, હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટને FSLમાં મોકલી આપવામાં આવી છે. જેની તપાસના અંતે જવાબદાર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
