Crime News: બેંગલુરુમાંથી હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પતિએ આડાસબંધની શંકા રાખીને પત્નીનું ગળું ઘોંટીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આટલું જ નહીં, પોતાનો ગુનો છૂપાવવા માટે પત્નીનું મોત પાણીના હીટરથી કરંટ લાગવાના કારણે થયું હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બેંગ્લુરુના હેબ્બાગોડી વિસ્તારમાં રહેતા પ્રશાંત કમ્માર (25)એ પોતાની પત્ની રેશ્મા (32)ની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પ્રશાંત પત્નીની લાશને ઢસડીને બાથરૂમમાં લઈ ગયો અને ત્યાં પાણીની ડોલમાં હીટર મૂકીને ચાલુ કરી દીધુ. જેથી જોનારાને એવું જ લાગે કે, રેશ્માનું વીજળીનો કરંટ લાગવાથી મોત થયું છે.
સાંજે જ્યારે રેશ્માની દીકરી સ્કૂલેથી ઘરે આવી, ત્યારે બાથરૂમનો દરવાજો આડો હતો. જેને ખોલીને જોતા નીચે માતા રેશ્મા બેશુદ્ધ થઈને પડી હતી. આથી તેણે બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા અને રેશ્માને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પહેલા પ્રશાંતે દાવો કર્યો કે, કરંટ લાગવાથી રેશ્માનું મોત થયું છે. જો કે પોલીસને તેનું વર્તના શંકાસ્પદ જણાતા તેની આગવી ઢબે પૂછપરછ કરી, જેમાં તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક રેશ્માના પહેલા લગ્ન સુરેન્દ્ર નામના વ્યક્તિ સાથે થયા હતા. જેના થકી તેને 15 વર્ષની એક દીકરી છે. જો કે લગ્નના એક વર્ષ બાદ બીમારીના કારણે સુરેન્દ્રનું મોત થઈ ગયું હતુ. નવેક મહિના પૂર્વે રેશ્મા અને બેલ્લારી જિલ્લામાં રહેતા પ્રશાંત ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમપાંગર્યો હતો.
થોડા સમય પહેલા જ પ્રશાંત અને રેશ્માએ લગ્ન કરી લીધા હતા. જો કે લગ્નના થોડા દિવસ બાદ પ્રશાંત પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. રેશ્મા અન્ય યુવકો સાથે સબંધ હોવાની શંકા રાખી તે અવારનવાર તેની સાથે ઝઘડા કરતો હતો. ગત 15 ઓક્ટોબરે પણ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પ્રશાંતે રેશ્માનું ગળું ઘોંટી દીધુ હતુ. હાલ તો પોલીસે બીએનએસની કલમ 103 અંતર્ગત હત્યાનો ગુનો નોંધીને પ્રશાંતની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.