Assam Election 2026: જોરહાટ બેઠક પર મોટો અપસેટ, કોંગ્રેસના કદ્દાવર નેતા ગૌરવ ગોગોઈની ભૂંડી હાર

જોરહાટ બેઠક પર ભાજપના હિતેન્દ્રનાથને 69,439 તેમજ આમ આદમી પાર્ટીના પ્રણબ પ્રિયકુશ દત્તાને માત્ર 701 મત મળ્યા. જ્યારે NOTA પર 1319 લોકોએ બટન દબાવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 04 May 2026 04:22 PM (IST)Updated: Mon, 04 May 2026 04:22 PM (IST)
assam-election-2026-gaurav-gogoi-defeated-by-bjp-in-jorhat-seat
HIGHLIGHTS
  • જોરહાટ બેઠક પર ભાજપના હિતેન્દ્રનાથ ગોસ્વામી પુનઃ વિજેતા
  • કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો ગણાતા ગૌરવ ગોગોઈને 46,257 મત મળ્યા

Assam Election 2026: આસામ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના કદ્દાવર નેતા ગૌરવ ગોગોઈને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ઉમેદવાર ગૌરવ ગોગોઈ જોરહાટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમને ભાજપના ઉમેદવાર હિતેન્દ્રનાથ ગોસ્વામીએ હરાવી દીધા છે. હિતેન્દ્રનાથ ગોસ્વામીએ 23,182 મતથી જીતી ગયા છે.

ભાજપ ઉમેદવાર હિતેન્દ્રનાથને 69,439 મત મળ્યા

કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો ગણાતા ગૌરવ ગોગોઈને 46,257 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર હિતેન્દ્રનાથ ગોસ્વામીને 69,439 મત મળ્યા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રણબ પ્રિયંકુશ દત્તાને માત્ર 701 મત મળ્યા છે. તેમજ સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઈન્ડિયા (કોમ્યુનિસ્ટ)ના ઉમેદવાર હેમંતકુમર પેગુના ફાળે 581 મત આવ્યા છે. જ્યારે NOTA પર 1319 લોકોએ બટન દબાવ્યા છે.

જોરહાટ વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર

આ ચૂંટણીમાં જોરહાટ વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કરની આશા રાખવામાં આવતી હતી. કોંગ્રેસે અહીં પોતાના ફાયર બ્રાન્ડ સાંસદ અને લોકસભામાં ઉપ નેતા ગૌરવ ગોગોઈને મેદાનમાં ઉતાર્યા હતા.

ગૌરવ ગોગોઈ પોતાના આક્રમક મિજાજ અને સંસદીય દલીલો માટે જાણીતા છે. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ હતો. ભાજપે વર્તમાન ધારાસભ્ય હિતેન્દ્રનાથ ગોસ્વામીને પુનઃ ટિકિટ આપી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ પ્રનબ પ્રિયાંગશુ દત્તાને ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક પર કુલ 11 ઉમેદવારોના ઉમેદવારી પત્રો ચૂંટણી પંચે માન્ય રાખ્યા હતા.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હિતેન્દ્રનાથ ગોસ્વામીએ 68,321 મત સાથે જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના રાના ગોસ્વામીને 61,833 મત જ મળ્યા હતા. બન્ને વચ્ચે મતની સરસાઈ ઘણી ઓછી હતી. 2016માં ભાજપ અને 2011 અને 2006માં આ બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો હતો. આ વર્ષે પણ કોંગ્રેસ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ હતુ.