Assam: આજથી ત્રણેક વર્ષ પૂર્વે દિલ્હીના શ્રદ્ધા વૉલકર હત્યાકાંડે સમગ્ર દેશમાં ચકચાર મચાવી મૂકી હતી. જેમાં આફતાબ પૂનાવાલા નામના યુવકે પોતાની પ્રેમિકા શ્રદ્ધાની ક્રૂરતાથી હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડા ફ્રિઝમાં સંતાડીને રાખ્યા હતા. જે બાદ દેશભરમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે આવો જ વધુ એક બનાવ આસામના ગુવાહાટીમાંથી સામે આવ્યો છે. જેમાં એક ટેક્સી ડ્રાઈવરે પોતાની પરિણીત પ્રેમિકાની ઘાતકી હત્યા કર્યાં બાદ તેની લાશને ગટરમાં ફેંકી દીધી હતી. હાલ તો પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 7 નવેમ્બરના રોજ ગુવાહાટીના ખાનપારા વિસ્તારની ગટરમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જે બાદ પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા મૃતક મહિલાની ઓળખ જીના વૈશ્ય (35) તરીકે થઈ હતી.
આ પણ વાંચો
પ્રાથમિક તપાસમાં જીનાને ખાનપારા વિસ્તારમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતાં પ્રદિપ સાથે છેલ્લા 10 વર્ષથી અનૈતિક સબંધો હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોથી બન્ને વચ્ચે સતત માથાકૂટ થતી હતી.
ગત 1 નવેમ્બરે પ્રદિપ જીનાને પોતાની કારમાં બહાર ફરવા લઈ જવાના બહાને લઈ ગયો હતો. રાતે 8 વાગ્યાની આસપાસ ખાનપારા વિસ્તારમાં આવેલ ગણેશ મંદિર નજીકની અવાવરૂ જગ્યા પર લઈ જઈને પ્રદિપે પોતાની પાસેના ધારદાર છરાથી જીના પર હુમલો કરી દીધો હતો. છરાના આડેધડ ઘા ઝીંકતા જીના સ્થળ પર જ મોતને ભેટી હતી. જે બાદ પ્રદિપે તેની લાશના ટૂકડા કરીને તેને નજીકની ગટરમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપી પ્રદિપે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમજ હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ છરો પણ કબજે લઈ લેવાયો છે. હાલ તો આોપીને કોર્ટમાં રજૂ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
