TEPL Hosur accident: તમિલનાડુના હોસુરમાં એપ્પલ કંપનીના આઈફોનના પાર્ટ્સ બનાવતી ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL)ની ફેક્ટરીમાં ગઈકાલે સાંજે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં વેસ્ટે વૉટર અર્થાત એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટાંકીની સફાઈ વખતે શ્વાસ રુંધાઈ જવાથી 3 કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મોત નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સોમવારે સાંજના સમયે તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર સ્થિત ટાટા ઈલેક્ટ્રોનિક્સની ફેક્ટરીના ETP ટેન્કમાં જામેલા કાદવ-કિચડને સાફ કરવા માટે 3 મજૂરો અંદર ઉતર્યા હતા. આ દરમિયાન ઝેરીલા ગેસના સંપર્કમાં આવવાથી ઑક્સિજનની કમીના પગલે ત્રણેય મજૂરોના શ્વાસ રુંધાઈ જતા તેઓ બેભાન બની ગયા હતા.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણેય મજૂરોની ઓળક હોસુરમાં રહેતા કાવેરી (30), ધર્મપુરી જિલ્લામાં રહેતા બી.અકમલ (28) અને એમ.સારથીકુમાર (28) તરીકે થઈ છે. દુર્ઘટનામાં બેભાન થયા બાદ ત્રણેયને નજીકને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. જે બાદ ત્રણેયના મૃતદેહોને કૃષ્ણાગિરીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર કેસની તપાસના આદેશ આપી દીધા છે, હાલ તપાસ ચાલી રહી છે.
