અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની MMRDA સામે મોટી કાનૂની જીત: આર્બિટ્રલ ટ્રિબ્યુનલે 157.64 કરોડ ચૂકવવાનો આપ્યો આદેશ

સ્ટોક એક્સચેન્જ (BSE અને NSE) ને કરવામાં આવેલા સત્તાવાર ખુલાસા અનુસાર, આ વિવાદ મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (MMOPL) ને પૂરા પાડવામાં આવેલા 'સબઓર્ડિનેટેડ દેવા' અને તેનાથી સંકળાયેલા ખર્ચ સાથે સંબંધિત હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 29 Jul 2026 03:41 PM (IST)Updated: Wed, 29 Jul 2026 03:41 PM (IST)
anil-ambani-reliance-infra-wins-157-crore-arbitration-award-mmrda
અનિલ અંબાણી

Anil Ambani: અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. કાનૂની લડાઈમાં મોટી સફળતા મેળવતા કંપનીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) સામેનો કેસ જીતી લીધો છે. આર્બિટ્રલ ટ્રિબ્યુનલે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તરફેણમાં ચુકાદો આપતા MMRDA ને ₹157.64 કરોડ ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

સ્ટોક એક્સચેન્જ (BSE અને NSE) ને કરવામાં આવેલા સત્તાવાર ખુલાસા અનુસાર, આ વિવાદ મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (MMOPL) ને પૂરા પાડવામાં આવેલા 'સબઓર્ડિનેટેડ દેવા' અને તેનાથી સંકળાયેલા ખર્ચ સાથે સંબંધિત હતો. નોંધનીય છે કે MMOPL એ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MMRDA વચ્ચેનું એક સંયુક્ત સાહસ છે, જેમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 74% નો બહુમતી હિસ્સો ધરાવે છે, જ્યારે MMRDA 26% હિસ્સો ધરાવે છે. આ કંપની મુંબઈના અત્યંત વ્યસ્ત એવા વર્સોવા-અંધેરી-ઘાટકોપર કોરિડોર પર મેટ્રો લાઇનનું સંચાલન કરે છે.

ટ્રિબ્યુનલનો બહુમતીથી ચુકાદો

આર્બિટ્રલ ટ્રિબ્યુનલે 27 જુલાઈ, 2026 ના રોજ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો, જેની અધિકૃત સૂચના કંપનીને 29 જુલાઈના રોજ મળી હતી. ટ્રિબ્યુનલે 3:0 ની સ્પષ્ટ બહુમતીથી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દાવાઓને યોગ્ય ઠેરવ્યા હતા. ચુકાદા મુજબ, કંપની મુખ્ય રકમ ₹157.64 કરોડની સાથે લાગુ પડતું વ્યાજ મેળવવા માટે પણ હકદાર બની છે.

શેરબજારમાં અસ્થિરતા

આ સકારાત્મક સમાચાર છતાં, બુધવાર, 29 જુલાઈ, 2026 ના રોજ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર 5 ટકા સુધી તૂટીને ₹60 ના સ્તરે પહોંચ્યો હતો. અનિલ અંબાણી માટે આ કાનૂની વિજય નાણાકીય દ્રષ્ટિએ મોટો રાહતરૂપ સાબિત થશે અને કંપનીના બાકી લેણાં પરત મેળવવામાં મદદરૂપ બનશે.