Anant Singh Daughter Wedding: બિહારના મોકામા વિસ્તારના ધારાસભ્ય અનંત સિંહ (Anant Singh) ની પુત્રી શિવાંગી સિંહના ભવ્ય લગ્ન સમારોહે માત્ર દેશમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. 25 નવેમ્બરે યોજાયેલા આ લગ્ન સમારોહના શાહી આયોજનની ચર્ચા વચ્ચે ખર્ચના મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થયા છે, તો બીજી તરફ ભારે ભીડ અને અવ્યવસ્થાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખર્ચ અને 'શાહી લગ્ન' પર સવાલ
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં આ લગ્નને લઈને વિવિધ ચર્ચાઓ થઈ છે. BBC એ પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે જે રાજ્યની એક-તૃતીયાંશ વસ્તી બહુઆયામી ગરીબી સામે ઝઝૂમી રહી છે, ત્યાં આ આયોજનને 'શાહી લગ્ન' કહેવામાં આવી રહ્યું છે અને તે મોટો ચર્ચાનો વિષય બન્યું છે. અહેવાલ મુજબ, અનંત સિંહના એક રાજકીય વિરોધીએ આ સમારોહમાં થયેલા ભારેખમ ખર્ચના સ્ત્રોતની તપાસ કરવાની માંગ પણ ઉઠાવી છે.
બીજી તરફ, 'ધ ગાર્ડિયન' (The Guardian) એ ભારતના સૌથી ગરીબ રાજ્યોમાં ગણાતા બિહારમાં 4 લાખ મહેમાનોની આગતા-સ્વાગતા, 6 હેલિપેડનું નિર્માણ અને 500 રસોઈયાઓ દ્વારા તૈયાર કરાયેલા ભોજનનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે 'ડેઈલી મેલ' (Daily Mail) એ આ આયોજનને ભારતના ચર્ચિત ખર્ચાળ લગ્નોના ધોરણો કરતાં પણ વધુ ભવ્ય ગણાવ્યું છે.
વિશાળ પંડાલ, 151 લક્ઝરી કાર અને ખુલ્લું આમંત્રણ
શિવાંગી અને ઋષિકેશ કુમાર ઉર્ફે અંકિતના લગ્ન માટે 10 વીઘાથી વધુ જમીન પર જયપુર સ્ટાઈલનો ભવ્ય પંડાલ અને વિદેશી ફૂલોથી શણગારેલો મંચ તૈયાર કરાયો હતો. જાનમાં 151 લક્ઝરી કાર સામેલ થઈ હતી અને મહેમાનોની અવરજવર માટે હેલિપેડ બનાવાયા હતા. અનંત સિંહે બિહાર ઉપરાંત દેશના અન્ય ભાગો તેમજ પાકિસ્તાન સુધી લોકોને આમંત્રણ આપ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, જનતા તેમના માટે ભગવાન સમાન છે અને પ્રેમથી આવનાર દરેકનું સ્વાગત છે, કારણ કે આ કોઈ સિનેમા નથી જ્યાં ટિકિટ લાગતી હોય.

150 થી વધુ વાનગીઓ, પણ પ્લેટ અને વ્યવસ્થા માટે ભારે દોડધામ
લાખો લોકોની ભીડની સંભાવના વચ્ચે 500 થી વધુ હલવાઈ અને 300 થી વધુ ભઠ્ઠીઓ લગાવાઈ હતી, પરંતુ જનમેદની સામે આ વ્યવસ્થા ઓછી પડી હતી:
- મેનૂમાં 150 થી વધુ વાનગીઓ હોવા છતાં મહેમાનો માટે પ્લેટ મેળવવી મુશ્કેલ બની હતી.
- વાયરલ વીડિયોમાં લોકો હવામાં ફેંકાતી ડિસ્પોઝલ પ્લેટો ઝડપતા જોવા મળ્યા હતા, જ્યારે પ્લેટ ન મળતા અનેક લોકોએ પૂંઠા, અખબાર અને પાણીના ગ્લાસમાં ભોજન લીધું હતું.
- ભીડને કાબૂમાં લેવા માટે લાઠીઓનો પણ સહારો લેવો પડ્યો હતો, કેટલાક લોકો સીધા વાસણોમાંથી પનીર કાઢતા દેખાયા હતા અને એક વીડિયોમાં એક વ્યક્તિ શાકના મોટા વાસણમાં પડ્યો હોવાની વાત પણ સામે આવી હતી.
- એક મહેમાને આ સ્થિતિની સરખામણી યુદ્ધ જીતવા સાથે કરતા જણાવ્યું કે તેમના પહોંચવા પહેલાં જ રસગુલ્લા ખતમ થઈ ગયા હતા.
ઘોડદોડ સ્થગિત અને 8 થી 10 કિમી લાંબો મહાજામ
સમારોહ દરમિયાન બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી આવેલા 20 થી વધુ ઘોડાઓની દોડ યોજાઈ હતી, જેમાં વિજેતાઓ માટે થાર જીપ, મોટરસાઈકલ અને સ્કૂટર જેવા ઈનામ જાહેર કરાયા હતા. જોકે, દર્શકો વૃક્ષો અને હાઈ-ટેન્શન વીજળીના થાંભલા પર ચડી જતા સુરક્ષાના કારણોસર દોડ વચ્ચેથી અટકાવી ફાઈનલ મોકૂફ રાખવી પડી હતી.
આ વિસ્તારમાં 8 થી 10 કિલોમીટર લાંબો ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેમાં સામાન્ય લોકો સાથે વીઆઈપી પણ ફસાયા હતા. બિહાર વિધાનસભા અધ્યક્ષ પ્રેમ કુમારનો કાફલો કલાકો સુધી જામમાં અટવાયો હતો અને અનેક મહેમાનો ખેતરોના રસ્તે ચાલીને પહોંચ્યા હતા. વરરાજાની લક્ઝરી કાર પણ જામમાં ફસાઈ જતા દુલ્હનના ભાઈઓ તેમને બહાર કાઢી અનંત સિંહની જૂની ખુલ્લી જીપમાં મંચ સુધી લઈ ગયા હતા. બીજી તરફ અનંત સિંહે SUV ના સનરૂફમાંથી બહાર આવી નારંગી ગમછો લહેરાવતા પ્રવેશ કર્યો હતો, જે રાજકીય રોડશો જેવો દ્રશ્ય સર્જતું હતું.
