વિધાનસભાથી લઈને પાલિકા સુધી હાર્યા... અમિત શાહની રાહુલ ગાંધીને સલાહ, ECને દોષ આપવાને બદલે આત્મચિંતન કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્થાનિક અને પેટાચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ કરી તેમણે રાહુલ ગાંધીને ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવાને બદલે આત્મમંથન કરવા સલાહ આપી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 13 Oct 2026 08:28 PM (IST)Updated: Tue, 13 Oct 2026 08:28 PM (IST)
amit-shah-to-rahul-gandhi-introspect-on-congress-losses-not-blame-evms

Amit Shah to Rahul Gandhi: ચૂંટણી પરિણામો અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) તેમજ ઇલેક્શન કમિશનની ભૂમિકા પર વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સતત કરવામાં આવી રહેલા આરોપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે. મંગળવારે એક મહત્વપૂર્ણ નિવેદનમાં અમિત શાહે રાહુલ ગાંધીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને તેમને સલાહ આપી હતી કે ચૂંટણી પંચ કે સંસ્થાઓ પર દોષારોપણ કરવાને બદલે તેઓ પોતાની અને કોંગ્રેસ પાર્ટીની સતત થઈ રહેલી હાર પર ઊંડું આત્મચિંતન કરે.

શું આ પણ SIRનો જ પ્રભાવ છે?:અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે- હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું આ બધું પણ SIRના કારણે જ થઈ રહ્યું છે? તમે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તથા જનાદેશને SIRનું નામ આપીને નકારી દો છો. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારે આત્મમંથન કરવાની જરૂર છે. દેશના એવા મોટા રાજ્યો, જ્યાં ક્યારેક કોંગ્રેસનું એકચક્રી શાસન હતું, ત્યાં તમે છેલ્લા 41 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શક્યા નથી. આ એક એવો ગંભીર વિષય છે જેના પર કોંગ્રેસે ગંભીરતાથી વિચારવું જોઈએ.

પેટાચૂંટણીઓના પરિણામોનો હવાલો: કોંગ્રેસના સુપડા સાફ

તાજેતરમાં દેશના ત્રણ મહત્વના રાજ્યો - પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને પુડુચેરી માં યોજાયેલી પેટાચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ કરતા અમિત શાહે આંકડાકીય વિગતો આપી હતી. અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ અને તમિળનાડુના રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી.

તો નૌગાંવ સીટમાં ભાજપના ઉમેદવારે 1,42,000 મતોની સરસાઈથી મોટી જીત મેળવી કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લીધી છે.

અમિત શાહે જણાવ્યું કે- પશ્ચિમ બંગાળની નંદીગ્રામ સીટ પર ભાજપના ઉમેદવારે 76% મતો મેળવીને 1,22,000 મતોની પ્રચંડ સરસાઈ મેળવી હતી. તો રેજીનગર સીટ પર ભાજપે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાસેથી આ સીટ 75,000થી વધુ મતોની સરસાઈથી છીનવી લીધી છે. જ્યારે પુડુચેરીની બેઠક પર NDAના સહયોગી પક્ષ AINRCના ઉમેદવારે જીત મેળવી છે, જ્યારે કે કોંગ્રેસને માત્ર 22% મતો જ મળ્યા છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપનો ભવ્ય વિજય, AAPના જામીન જપ્ત

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ત્રણ નગરપાલિકાઓ અને એક નગરનિગમ (મહાનગરપાલિકા)ની ચૂંટણી પરિણામો અંગે વાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે- ભાજપે કુલ 104 માંથી 90 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.અમિત શાહના સંસદીય ક્ષેત્ર હેઠળ આવતી ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 44 માંથી 38 બેઠકો પર કબજો જમાવ્યો છે.

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ તમામ 32 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમની તમામ બેઠકો પર ડિપોઝિટ (જામીન) જપ્ત થઈ ગઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો વોટ શેર અગાઉની સરખામણીએ 10% વધ્યો છે.

આ સાથે જ અમિત શાહે યાદ અપાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લે 1985માં ચૂંટણી જીતી હતી, ત્યારબાદ છેલ્લા 41 વર્ષથી કોંગ્રેસ સતત હારી રહી છે.

રાજસ્થાન અને ત્રિપુરાના પરિણામો પણ ભાજપ તરફ

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપે 90% નગરનિગમો, 66% નગર પરિષદો અને 65% નગરપાલિકાઓ પર જીત મેળવી છે. અહીં પણ AAPની 85%થી વધુ વાર્ડમાં ડિપોઝિટ જપ્ત થઈ છે.

ત્રિપુરા ગ્રામ સમિતિ: NDAએ કુલ 4,600માંથી આશરે 4,000 બેઠકો જીતીને 77.5% વોટ શેર મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 14 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે.

બેલટ પેપરથી ચૂંટણી થઈ તો પણ કોંગ્રેસ કેમ હારી?: અમિત શાહનો મોટો સવાલ

EVM પર સવાલ ઉઠાવનારાઓને સખત જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે- જે લોકો પોતાની હાર માટે હંમેશા EVMને દોષ આપે છે, તેમને હું જણાવવા માંગુ છું કે ત્રિપુરામાં ગ્રામ સમિતિની ચૂંટણીઓ બેલટ પેપર (Ballot Paper)થી યોજાઈ હતી. તેમ છતાં કોંગ્રેસનો પરાજય થયો. ત્રિપુરામાં છેલ્લા 33 વર્ષથી, બંગાળમાં 54 વર્ષથી અને ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ સત્તાથી બહાર છે. તેથી જ હું રાહુલ ગાંધીને સીધો પ્રશ્ન પૂછું છું કે, શું આ બધી હાર પણ SIRનું પરિણામ છે? SIR તો 2024 પછી આવ્યું, પરંતુ તમે જ્યારથી કોંગ્રેસના મુખ્ય નેતા, પાર્ટી અધ્યક્ષ કે વિપક્ષી નેતા બન્યા છો, ત્યારથી કોંગ્રેસ સતત હારનો સામનો કરી રહી છે.